ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વૃદ્ધ માતા-પિતાને હેરાન કરશો તો ઘર છોડવું પડી શકે! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

National News: વૃદ્ધ માતા-પિતાની સંભાળ, સુરક્ષા અને ગૌરવને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ફરી સ્પષ્ટ કર્યું છે કે Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 હેઠળ રચાયેલી ટ્રિબ્યુનલ જરૂર પડે ત્યારે સંતાનોને માતા-પિતાની મિલકતમાંથી બહાર કાઢવાનો આદેશ આપી શકે છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે જણાવ્યું કે જો વૃદ્ધ નાગરિકના ભરણપોષણ, સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવન માટે સંતાનને મિલકતમાંથી બહાર કાઢવું જરૂરી હોય, તો ટ્રિબ્યુનલ પાસે એવો આદેશ આપવાની સત્તા છે. સુપ્રીમ કોર્ટે આ સાથે અલ્હાબાદ હાઈકોર્ટનો એ ચુકાદો રદ કરી દીધો, જેમાં ટ્રિબ્યુનલ અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા evictionના આદેશને રદ કરવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર કેસ?

આ મામલો લખનઉના વિકાસ નગરમાં રહેતા રવિ કાંત ગુપ્તા સાથે જોડાયેલો છે. ગુપ્તા પોતાના સ્વઅર્જિત મકાનના માલિક છે. કેસ મુજબ તેમની 81 વર્ષીય માતાને ઘરમાંથી દૂર થવું પડ્યું હતું અને અંતે તેમને વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિ બાદ રવિ કાંત ગુપ્તાએ 5 જૂન 2022ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરીને પોતાના પુત્રને ઘરમાંથી બહાર કાઢવાની માંગ કરી હતી. 15 નવેમ્બર 2022ના રોજ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે મિલકત રવિ કાંત ગુપ્તાની સ્વઅર્જિત મિલકત છે. સાથે એ પણ નોંધાયું કે તેમના પુત્રએ દાદીને ઘરમાં રહેવા દીધા નહોતા અને ઘરમાં ઉપદ્રવ સર્જાતો હતો. આ આધારે પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પછી 9 ઓગસ્ટ 2023ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટે પણ આ આદેશને યથાવત રાખ્યો અને પુત્ર તથા પુત્રવધૂને મકાનનો કબજો રવિ કાંત ગુપ્તાને સોંપવા કહ્યું હતું.

હાઈકોર્ટે રદ કર્યો હતો evictionનો આદેશ

પુત્ર અને પુત્રવધૂએ આ આદેશને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે અગાઉના એક ચુકાદા પર આધાર રાખીને કહ્યું હતું કે Senior Citizens Act હેઠળના અધિકારીઓ પાસે evictionનો આદેશ આપવાની સત્તા નથી. તેના આધારે હાઈકોર્ટે SDM અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ રદ કર્યા હતા. જોકે હવે સુપ્રીમ કોર્ટે આ દૃષ્ટિકોણને ખોટો ગણાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કાયદા હેઠળ રચાયેલી ટ્રિબ્યુનલ પાસે વૃદ્ધ નાગરિકોના કલ્યાણ અને સુરક્ષા માટે જરૂરી આદેશ આપવાની સત્તા છે. કોર્ટે નોંધ્યું કે Senior Citizens Actની કલમ 7 હેઠળ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે અને કલમ 8 હેઠળ તેને સંક્ષિપ્ત પ્રક્રિયાથી તપાસ ચલાવવાની સત્તા આપવામાં આવી છે. ઉપરાંત કલમ 27 સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રને મર્યાદિત કરે છે. અદાલતે એ સિદ્ધાંત પર ભાર મૂક્યો કે જ્યારે કોઈ કાયદો કોઈ સત્તાને ચોક્કસ અધિકાર આપે છે, ત્યારે તે અધિકારનો અસરકારક અમલ કરવા માટે જરૂરી સહાયક સત્તાઓ પણ તેમાં સામેલ માનવામાં આવે છે.

દરેક કેસમાં સંતાનોને બહાર કાઢી શકાય?

આ ચુકાદાનો અર્થ એવો નથી કે માતા-પિતા ઈચ્છે એટલે દરેક કેસમાં સંતાનોને ઘરમાંથી કાઢી શકાય. સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે eviction ત્યારે જ યોગ્ય બની શકે જ્યારે તે વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ, સુરક્ષા અથવા ગૌરવપૂર્ણ જીવનની ખાતરી કરવા જરૂરી હોય. એટલે ટ્રિબ્યુનલને દરેક કેસની પરિસ્થિતિ, મિલકતના અધિકાર અને માતા-પિતાની સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય કરવો પડશે.

વૃદ્ધોનું ગૌરવ એ સભ્ય સમાજની ઓળખ

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં વૃદ્ધ નાગરિકોના સન્માન અંગે મહત્ત્વપૂર્ણ અવલોકન પણ કર્યું છે. કોર્ટે કહ્યું કે કોઈપણ સભ્ય સમાજનું મૂલ્યાંકન એ પરથી થઈ શકે કે તે પોતાના વૃદ્ધ નાગરિકોને કેટલું સન્માન, સુરક્ષા અને ગૌરવ આપે છે. કોર્ટે બંધારણની કલમ 21 અને કલમ 41નો ઉલ્લેખ કરતાં કહ્યું કે વૃદ્ધાવસ્થા ઉપેક્ષા, અસુરક્ષા અથવા અપમાનનો પર્યાય ન બને તેની ખાતરી કરવી રાજ્ય અને સમાજ બંનેની જવાબદારી છે.

અગાઉના ચુકાદાઓનો પણ ઉલ્લેખ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં S. Vanitha v. Deputy Commissioner, Bengaluru Urban District કેસનો ઉલ્લેખ કર્યો. આ કેસમાં પણ અદાલતે માન્યું હતું કે જો વૃદ્ધ નાગરિકોની સુરક્ષા અને ભરણપોષણ માટે જરૂરી હોય તો ટ્રિબ્યુનલ evictionનો આદેશ આપી શકે છે. આ જ કાનૂની સિદ્ધાંતને બાદમાં Samtola Devi v. State of U.P. અને Kamalakant Mishra v. Additional Collector જેવા કેસોમાં પણ પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો. અંતે સુપ્રીમ કોર્ટે રવિ કાંત ગુપ્તાની અપીલ મંજૂર કરી અને તેમના પુત્ર તથા પુત્રવધૂને મકાનમાંથી બહાર કાઢવાના ટ્રિબ્યુનલના આદેશને પુનઃસ્થાપિત કર્યો.

આ પણ વાંચોઃ મુંબઈ મેયર સોશિયલ મીડિયા વિવાદ : 25 લાખના પ્રચાર પર BMCએ કરી સ્પષ્ટતા, કહ્યું- કોઈ અલગ ખર્ચ નહીં
Back to top button