અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, આજથી નવો ભાવ લાગુ

Sumul Dairy Milk Price Hike : મોંઘવારીના આ સમયમાં સામાન્ય માણસના પાકીટ પર વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવ વધારવામાં આવ્યા પછી હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો આજ (19 મે 2026)થી જ અમલમાં આવશે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરીએ વધાર્યો ભાવ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી સુરતની સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, દૂધના પેકેજિંગ માટેની ફિલ્મ, વિવિધ ઈનપુટ કોસ્ટ અને ફ્યુઅલ (ડીઝલ)ના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.
પ્રોસેસિંગ અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો
આ તમામ પરિબળોને કારણે દૂધના પ્રોસેસિંગ અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હોવાથી ભાવ વધારો કરવાની ફરજ પડી છે. સુમુલ ડેરીના આ નિર્ણય પહેલા, 13મી મેના રોજ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના નેજા હેઠળ કામ કરતી અમૂલ ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો, જે 14મી મેથી લાગુ થઈ ચૂક્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ અમૂલ ડેરીએ ભાવ વધાર્યો કર્યો હતો
અમૂલ ડેરીએ દૂધની વિવિધ વરાયટીઓમાં લિટરદીઠ રૂ.1થી રૂ.4 સુધીનો વધારો કર્યો છે. ટી સ્પેશિયલ દૂધની એક લિટરની થેલી પર રૂ.3 અને ભેંસના દૂધની 500 મિલીલિટરની થેલી પર રૂ.2 (એટલે કે લિટરદીઠ રૂ.4)નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અમૂલના ભેંસના દૂધનો લિટરદીઠ ભાવ વધીને રૂ.78 થઈ ગયો છે.












