ઈરાનમાં દેખાયેલા અજબ ડ્રોન્સે વધારી દુનિયાની ચિંતા, અમેરિકાએ શરૂ કરી તપાસ

Strange drones seen in Iran: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એપ્રિલ મહિનામાં ઈરાનના આકાશમાં અમેરિકાનું એક F-15 ફાઇટર જેટ ક્રેશ થયું હતું. હવે આ જેટના પાઇલટે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને આપેલા નિવેદનમાં એવો દાવો કર્યો છે કે તેણે આકાશમાં અજીબોગરીબ આકારમાં ઉડતા ઘણા ડ્રોન્સનું ઝુંડ જોયું હતું, જે ‘જેલીફિશ’ જેવું દેખાતું હતું.
કેવી રીતે બની ઘટના?
આ ઘટના ત્યારે બની હતી જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય તણાવ ચાલી રહ્યો હતો. અમેરિકાનું F-15 ફાઇટર જેટ ઈરાનના હવાઈ ક્ષેત્રમાં મિશન પર હતું. તેમાં એક પાઇલટ અને એક વેપન સિસ્ટમ ઓફિસર સવાર હતા.
મિશન દરમિયાન આ ફાઇટર જેટને નિશાન બનાવવામાં આવ્યું અને તે ક્રેશ થયું. આ યુદ્ધ દરમિયાન પહેલીવાર એવું બન્યું હતું કે ઈરાનના વિસ્તારમાં કોઈ અમેરિકન એરક્રાફ્ટ તોડી પાડવામાં આવ્યું હોય.
પાઇલટે પેરાશૂટથી બચાવ્યો જીવ
જેટ ક્રેશ થવા પહેલાં પાઇલટે પેરાશૂટ દ્વારા બહાર કૂદી પોતાની જાન બચાવી લીધી હતી. થોડા કલાકો બાદ અમેરિકન ટીમે તેનું રેસ્ક્યૂ કર્યું. જોકે, વેપન સિસ્ટમ ઓફિસર પહાડી વિસ્તારમાં એક દિવસથી વધુ સમય સુધી છુપાઈ રહ્યો હતો અને પછી તેને પણ સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો.
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અમેરિકાનું વધુ એક A-10 એરક્રાફ્ટ પણ ક્રેશ થયું હોવાનું જણાવાયું છે, જોકે તેનો પાઇલટ સુરક્ષિત રીતે ઈરાનની સીમા બહાર નીકળી ગયો હતો.
‘જેલીફિશ’ જેવા દેખાતા ડ્રોન્સ
પછી પૂછપરછ દરમિયાન પાઇલટે જણાવ્યું કે જેટમાંથી બહાર કૂદતા પહેલાં તેણે આકાશમાં ઘણા ડ્રોન્સને એક સાથે ગોઠવાયેલા જોયા હતા. આ બધા ડ્રોન્સ એકસરખી રીતે હલનચલન કરી રહ્યા હતા, જાણે એક જ મોટું ઓબ્જેક્ટ હોય.
પાઇલટના જણાવ્યા પ્રમાણે મોટા ડ્રોનની નીચે કેટલાક નાના ડ્રોન્સ હતા, જે ટાંગોની જેમ દેખાતા હતા. આખું દૃશ્ય જેલીફિશ જેવી આકૃતિ બનાવતું હતું.
એક સૂત્રએ તેને “હવામાં પાથરાયેલા માઇનફીલ્ડ” જેવી સ્થિતિ ગણાવી છે.
શું ડ્રોન્સના કારણે જ ક્રેશ થયું જેટ?
હાલ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ડ્રોન્સના કારણે જ અમેરિકન F-15 ક્રેશ થયું કે નહીં. સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને અમેરિકન ગુપ્તચર અધિકારીઓ વચ્ચે પણ પાઇલટના દાવાને લઈને મતભેદ જોવા મળી રહ્યા છે.
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહી છે વાતચીત
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. બંને દેશોએ તાજેતરમાં 60 દિવસના સીઝફાયર અને વાતચીતની શરૂઆત કરી છે, જેમાં ખાસ કરીને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા થવાની છે.
આ પણ વાંચો : ફુટપાથ પર સૂતેલી 10 વર્ષની બાળકીનું અપહરણ કરી રેપ કર્યો, પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યું












