ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હોર્મુઝ પર 100% કંટ્રોલનો ટ્રમ્પનો દાવો, ઈરાન પાસે હવે માગ્યું વળતર

strait of hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને તણાવ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હવે અમેરિકાનો સંપૂર્ણ કંટ્રોલ છે. સાથે જ તેમણે ઈરાન પાસેથી યુદ્ધ દરમિયાન અમેરિકા અને અમેરિકનોને થયેલા નુકસાન બદલ વળતરની માંગ કરી છે.

‘અમે જેને ઇચ્છીશું તેને જ પસાર થવા દઈશું’

ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકી નૌકાદળની સ્થિતિ અંગે આક્રમક વલણ દર્શાવ્યું છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે અમેરિકી નૌકાદળ દ્વારા ઈરાન સામે લગાવવામાં આવેલી નાકાબંધી અત્યંત મજબૂત છે અને અમેરિકા નક્કી કરશે કે આ જળમાર્ગમાંથી કયા જહાજોને પસાર થવા દેવા. જોકે ઈરાન હજી પણ હોર્મુઝને સંપૂર્ણ રીતે ખુલ્લું મૂકવા માટે અમેરિકાની સામે અનેક શરતો રાખી રહ્યું છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાં સામેલ છે. ખાસ કરીને વૈશ્વિક તેલ અને ગેસના પરિવહન માટે આ જળમાર્ગ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી અહીંનો કોઈપણ સૈન્ય અથવા રાજકીય તણાવ આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારો પર સીધી અસર કરી શકે છે. તાજેતરના તણાવ વચ્ચે તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

ઈરાને વળતર માગ્યું, ટ્રમ્પે કર્યો પલટવાર

ઈરાન તરફથી પાંચ મહિનાના સંઘર્ષ દરમિયાન થયેલા નુકસાન બદલ અમેરિકા પાસેથી વળતર માગવામાં આવ્યા બાદ ટ્રમ્પે તેનો કડક જવાબ આપ્યો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે જો ઈરાન યુદ્ધના નુકસાન બદલ વળતર માગી શકે છે, તો અમેરિકા પણ ઈરાન પાસેથી દાયકાઓથી થયેલા અમેરિકન નાગરિકો અને સૈનિકોના મોત તથા ઈજાઓ બદલ વળતર માગશે.

ટ્રમ્પે પોતાના નિવેદનમાં ઈરાન પર રોડસાઇડ બોમ્બ અને પ્રાદેશિક સંઘર્ષો દ્વારા અમેરિકન સૈનિકોને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો. તેમણે જનરલ કાસિમ સુલેમાનીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભવિષ્યમાં ઈરાન સાથે થનારી કોઈપણ વાતચીતમાં વળતરનો મુદ્દો અમેરિકી પ્રતિનિધિઓ દ્વારા મજબૂતીથી ઉઠાવવામાં આવશે.

હોર્મુઝ ખોલવા માટે ઈરાનની કડક શરતો

ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ રીતે ફરી શરૂ કરવા માટે અમેરિકા સમક્ષ મોટી આર્થિક અને સૈન્ય શરતો મૂકી છે. અહેવાલો પ્રમાણે તેહરાન અમેરિકાથી અબજો ડોલરની ચુકવણી, ઈરાન સામેની અમેરિકી નૌસેનાની નાકાબંધી દૂર કરવા અને મધ્ય પૂર્વમાંથી અમેરિકી સૈનિકોની હાજરી ઘટાડવા સહિતની માંગણીઓ કરી રહ્યું છે.

ઈરાનના વિદેશ મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી અમેરિકા નૌસેનાની નાકાબંધી દૂર નહીં કરે ત્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ રીતે ખુલ્લું મૂકવામાં નહીં આવે. આ કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી મંત્રણા વધુ મુશ્કેલ બની છે.

પરમાણુ કરાર વગર પણ યુદ્ધ સમાપ્ત કરવાનો વિકલ્પ?

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે ટ્રમ્પે પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એવી શક્યતા અંગે ચર્ચા કરી છે કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વ્યાપારી જહાજોની અવરજવર સંપૂર્ણ રીતે ફરી શરૂ કરે તો અમેરિકા નવા પરમાણુ કરાર વિના પણ સંઘર્ષ સમાપ્ત કરવાનો રસ્તો શોધી શકે છે. જોકે ઈરાનની નવી શરતોને કારણે આવી સમજૂતી સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.

હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ, નૌસેનાની નાકાબંધી, વળતર અને પ્રાદેશિક સૈન્ય હાજરી જેવા મુદ્દે કોઈ અંતિમ સમજૂતી થઈ નથી. બંને દેશો તરફથી કડક નિવેદનો ચાલુ હોવાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો મુદ્દો આગામી વાતચીતમાં સૌથી મોટો પડકાર બની શકે છે.

આ પણ વાંચો: બાળકોને લોલીપોપ આપતા પહેલા સો વાર વિચારજો, અમદાવાદના હીરાવાડીમાં મોટી રેડ પડી

Back to top button