બાળકોને લોલીપોપ આપતા પહેલા સો વાર વિચારજો, અમદાવાદના હીરાવાડીમાં મોટી રેડ પડી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના એકમો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત શહેરના હીરાવાડી વિસ્તારમાં આવેલી ‘મનન ફૂડ’ નામની કન્ફેક્શનરી ફેક્ટરીમાં અચાનક ચેકિંગ હાથ ધરીને ગંભીર બેદરકારી બદલ એકમને સીલ કરી દેવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ₹૪.૫ લાખની કિંમતનો 1500 કિલોગ્રામ લોલીપોપ અને શુગર બોઈલ્ડ કન્ફેક્શનરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
AMC ફૂડ વિભાગની ટીમે હીરાવાડી સ્થિત નરેશભાઈ ઘનશ્યામભાઈ મંગવાણી દ્વારા સંચાલિત ‘મનન ફૂડ’ એકમ પર દરોડો પાડ્યો હતો. આ યુનિટમાં સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી અને મિક્સ્ડ ફ્લેવર ધરાવતી લોલીપોપ બનાવવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું કે સંચાલક પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ માત્ર ‘રિટેલર’ (છૂટક વેચાણ)નું લાયસન્સ હતું. તેની આડમાં કોઈપણ જરૂરી મંજૂરી કે મેન્યુફેક્ચરિંગ લાયસન્સ લીધા વિના ગેરકાયદે રીતે મોટો ઉત્પાદન એકમ ચલાવવામાં આવતો હતો.
તપાસ ટીમ જ્યારે ફેક્ટરીની અંદર પ્રવેશી ત્યારે ખાદ્ય સુરક્ષાના તમામ નિયમોના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા. પ્રોડક્શન યુનિટની અંદર ચારેય તરફ ભારે ગંદકી અને કચરો હતો. લોલીપોપ બનાવતા કામદારોએ માથા પર કેપ, એપ્રન કે ગ્લોવ્ઝ જેવા પ્રાથમિક સુરક્ષા સાધનો પહેર્યા નહોતા. વળી, ખાદ્ય પદાર્થો બનાવતા કામદારોના ફરજિયાત મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા.
જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને AMCની ટીમે ફૂડ સેફ્ટી એક્ટના શિડ્યુલ-૪ના ભંગ બદલ મનન ફૂડને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે. સ્થળ પરથી રૂ. ૪.૫ લાખની કિંમતનો ૧,૫૦૦ કિલોગ્રામ જેટલો શુગર બોઈલ્ડ કન્ફેક્શનરી અને લોલીપોપનો જથ્થો વેચાણ અર્થે જતો અટકાવીને જપ્ત કરવામાં આવ્યો છે.
AMC ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરભરમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદકો અને વેપારીઓ ત્યાં લાયસન્સ તથા સ્વચ્છતાના ધોરણો અંગે સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 132નાં મોત, 570થી વધુ ઘાયલ; રાષ્ટ્રીય આપત્તિ જાહેર












