શેરબજારમાં તેજી યથાવત્, જોકે નિફ્ટી હજુ પણ 25,000થી નીચે

મુંબઇ, 11 સપ્ટેમ્બર, 2025: વિશ્વ બજારોના મિશ્ર સંકેત વચ્ચે ઘરેલુ પરિબળોએ ટેકા આપતા આજે પણ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. જોકે નિફ્ટી હજુ પણ 25,000થી નીચે ચાલી રહી છે. ગઇકાલે 25,000ની સપાટીથી ફક્ત 27 પોઇન્ટ દૂર બંધ આવી હતી. દરમિયાનમાં આજે નિફ્ટી પાછલા બંધ 24,973 સામે 28 પોઇન્ટ નરમ ખુલીને હાલમાં 24,998 પર 24 પોઇન્ટ ઉપર ક્વોટ થઇ રહી છે જ્યારે સેન્સેક્સ પાછલા બંધ 81,101 સામે 400 પોઇન્ટ ઉપર 81,504 પર ખુલ્યો હતો અને હાલમાં ફક્ત 120 પોઇન્ટ ઉપર ચાલી રહ્યો છે.
બીજી બાજુ આ લખાય છે ત્યારે સવારે 9.10 કલાકે ગિફ્ટ નિફ્ટી 27 પોઇન્ટ પ્લસ ક્વોટ થઇ હતી. નોંધનીય છે કે ગઇકાલે વિશ્વબજારોના મજબૂત અહેવાલોને પગલે નિફ્ટી 50 ઇન્ડેક્સ સત્રને અંતે 105 પોઇન્ટ અને સેન્સેક્સ 324 પોઇન્ટ વધીને બંધ આવ્યો હતો.
એશિયન માર્કેટ
એશિયન માર્કેટમાં આજે સવારે મિશ્ર પ્રવાહો જોવા મળ્યા હતા. જેમાં નિક્કેઇ 225 ઇન્ડેક્સ 0.23 ટકા વધ્યો હતો, જ્યારે ટોપીક્સ 0.18 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.67 ટકા એડવાન્સ થયો હતો અને સ્મોલ કેપ કોસડેક ફક્ત 0.2 ટકા ઉપર રહ્યો હતો. દરમિયાનમાં હોંગકોંગનો હેંસગેસ નરમ ખુલ્યો હતો.
અમેરિકન માર્કેટ
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા અને જથ્થાબ્ધ ફૂગાવમાં ઘટાડો થશે તે આશાએ અમેરિકન માર્કેટ વધીને બંધ આવ્યા હતા. જેમાં એસએન્ડપી 0.3 ટકા વધીને બંધ રહ્યુ હતું. જ્યારે નાસડેક કંપોઝિટ 0.03 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.48 ટકા ઘટીને બંધ આવ્યો હતો.
આજે આ શેરો રહેશે ફોકસમાં
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ – ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે એશિયા-પેસિફિક (APAC) અને યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકા (EMEA) પ્રદેશોના 18 બજારોમાં સ્ટુગેરોન બ્રાન્ડ હસ્તગત કરવા માટે જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
જ્યુપિટર વેગન્સ – તેની પેટાકંપની, જ્યુપિટર તત્રાવાગોના રેલવ્હીલ ફેક્ટરીને FIAT-IR બોગી માટે 9,000 LHB એક્સેલ સપ્લાય કરવા માટે રેલ્વે મંત્રાલય તરફથી સ્વીકૃતિ પત્ર (LOA) મળ્યો છે. ઓર્ડરનું મૂલ્ય રૂ. 113 કરોડ છે.
RVNL – RVNL પશ્ચિમ મધ્ય રેલ્વેના રૂ. 169.5 કરોડના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર (L1) તરીકે ઉભરી આવ્યું છે. આ પ્રોજેક્ટમાં 220/132 kV/2X25 kV SCOTT-કનેક્ટેડ ટ્રેક્શન સબસ્ટેશન અને ભોપાલ ડિવિઝનના બીનાથી RTA સેગમેન્ટ વચ્ચે સ્વિચિંગ પોસ્ટ્સનું ડિઝાઇન/સુધારણા, સપ્લાય, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને કમિશનિંગનો સમાવેશ થાય છે, જેમાં SCADA કાર્યનો સમાવેશ થાય છે.
હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર – કંપનીને ઉત્તર પ્રદેશમાં મુઝૈના હાતિમ ફી પ્લાઝાના સંચાલન માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી રૂ. 69.8 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે.
માઝગોન ડોક શિપબિલ્ડર્સ – માઝગોન ડોકે સબમરીન પ્રોજેક્ટ P-75(I) માટે ભારતીય નૌકાદળ સાથે વાટાઘાટો શરૂ કરી છે.
રેટગેઇન ટ્રાવેલ ટેક્નોલોજીસ – બોર્ડે 22 સપ્ટેમ્બરથી અમરપ્રીત સિંહને ચીફ કસ્ટમર ઓફિસર અને સિનિયર મેનેજમેન્ટ પર્સનલ તરીકે નિયુક્ત કર્યા છે.
બાયોકોન – બાયોકોને તેની પેટાકંપની બાયોકોન જેનેરિક્સ ઇન્ક. (BGI) દ્વારા ક્રેનબરી, ન્યુ જર્સીમાં તેની પ્રથમ યુએસ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે.
GMR એરપોર્ટ્સ – કંપનીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્યુટી-ફ્રી રિટેલ કામગીરી શરૂ કરી છે.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન – કંપનીની પેટાકંપની માંધાતા બિલ્ડ એસ્ટેટે લોજિસ્ટિક્સ વ્યવસાયના વિકાસ માટે રૂ. 37.77 કરોડમાં વિન્ડસન પ્રોજેક્ટ્સ LLP પાસેથી ડિપેન્ડેન્સિયા લોજિસ્ટિક્સમાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે.
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ – ટોરેન્ટે ગુજરાતમાં કેપ્ટિવ હાઇબ્રિડ (સોલર + વિન્ડ) પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે ટોરેન્ટ એનર્જી 27માં 26% ઇક્વિટી ખરીદવા માટે શેર સબસ્ક્રિપ્શન અને શેરહોલ્ડર કરાર (SSSA)કર્યા છે.
બેંક ઓફ બરોડા – બેંકે તેના ઓવરનાઇટ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત ધિરાણ દર (MCLR)ને 10 બેસિસ પોઇન્ટ ઘટાડીને 7.95% થી 7.85% અને તેના ત્રણ મહિનાના MCLR ને 15 બેસિસ પોઇન્ટ ઘટાડીને 8.35% થી 8.20% કર્યો છે, જે 12 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
આ પણ વાંચોઃ SEBIનું મોટુ પગલુંઃ 18 રોકાણકાર સલાહકારોનું લાયસન્સ કરાયું રદ












