ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને તક તો તિલક વર્મા બન્યા કેપ્ટન

BCCI : ACC મેન્સ રાઇઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે BCCIએ ઇન્ડિયા-A ટીમની જાહેરાત કરી છે. 19થી 29 નવેમ્બર દરમિયાન કતારના દોહામાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ સ્થાન મળ્યું છે. જ્યારે ટીમની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે અને રજત પાટીદારને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મેન્સ રાઇઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે BCCIના પસંદગીકારોએ ઇન્ડિયા-A ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટનું આયોજન 19થી 29 નવેમ્બર દરમિયાન કતારની રાજધાની દોહામાં કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભારતના અનેક યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમની કેપ્ટનશિપ યુવા બેટ્સમેન તિલક વર્માને સોંપવામાં આવી છે. જ્યારે રજત પાટીદારને ટીમના ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વૈભવ સૂર્યવંશીને મળી ટીમમાં જગ્યા

આ ટીમની સૌથી ખાસ વાત એ છે કે 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પોતાની આક્રમક બેટિંગથી વૈભવે તાજેતરના સમયમાં ક્રિકેટ જગતમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવને માત્ર બે મેચ રમવાની તક મળી હતી. જોકે, ત્રીજી T20 મેચમાં તેણે શાનદાર બેટિંગ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. વૈભવ ઉપરાંત ટીમમાં અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગ્રુપ-Bમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ટૂર્નામેન્ટના ફોર્મેટની વાત કરીએ તો ઇન્ડિયા-A ટીમને ગ્રુપ-Bમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત UAE, નેપાળ અને પાકિસ્તાન-Aની ટીમો સામેલ છે. બીજી તરફ ગ્રુપ-Aમાં બાંગ્લાદેશ-A, શ્રીલંકા-A, અફઘાનિસ્તાન-A અને હોંગકોંગની ટીમો રમશે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. સેમિફાઇનલ મુકાબલા 26 અને 27 નવેમ્બરના રોજ રમાશે, જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 નવેમ્બર, રવિવારે યોજાશે.

22 નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

ઇન્ડિયા-A ટીમના શેડ્યૂલ પર નજર કરીએ તો ભારત પોતાની પ્રથમ મેચ 20 નવેમ્બરે નેપાળ સામે રમશે. આ મુકાબલો વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. ત્યારબાદ ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો રોમાંચક મુકાબલો જોવા મળશે. બંને ટીમો 22 નવેમ્બરે એકબીજા સામે ટકરાશે. આ મેચ પણ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારત ગ્રુપ સ્ટેજની પોતાની ત્રીજી અને છેલ્લી મેચ 24 નવેમ્બરે UAE સામે રમશે. આ મુકાબલો યુનિવર્સિટી ઑફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગ્રાઉન્ડ પર યોજાશે.

આ પણ વાંચો:‘રાહુલ ગાંધી અસલી સંસદમાં ક્યારેય PM નહીં બની શકે’: અમિત શાહ

રાઇઝિંગ સ્ટાર એશિયા કપ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ઇન્ડિયા-A ટીમનું સુકાન તિલક વર્માને સોંપવામાં આવ્યું છે, જ્યારે રજત પાટીદાર ઉપ-કેપ્ટનની મહત્વની ભૂમિકા ભજવશે. ટીમમાં આક્રમક બેટિંગ લાઇન-અપ તૈયાર કરવામાં આવી છે, જેમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને ફિનિશર રિંકુ સિંહનો સમાવેશ થાય છે. વિકેટકીપર તરીકે પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રને તક મળી છે, જ્યારે મિડલ ઓર્ડર અને ઓલરાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં સૂર્યાંશ શેડગે, શહબાઝ અહમદ, વિપરજ નિગમ, હર્ષ દુબે તેમજ તનુષ કોટિયન સંતુલન પૂરું પાડશે. બોલિંગ આક્રમણની આગેવાની ઝડપી બોલર હર્ષિત રાણા સંભાળશે, જેને પ્રિન્સ યાદવ અને અરશદ ખાન પેસ આક્રમણમાં સાથ આપશે. યુવા જોશ અને અનુભવી ડોમેસ્ટિક પર્ફોર્મર્સના મિશ્રણ સાથે જાહેર કરાયેલી આ ટીમ ટૂર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો:અમ્પાયરના નિર્ણય સામે દલીલ કરવી પડી ભારે, ICCએ બે દિગ્ગજોને ફટકાર્યા

Back to top button