સોનમ વાંગચુકની તબિયત લથડી, એમ્સ જોધપુરમાં લઈ જવાયા; SC જશે મેડિકલ રિપોર્ટ

નવી દિલ્હીઃ 31 જાન્યુઆરી, 2026: છેલ્લા કેટલાક મહિનાઓથી જોધપુર જેલમાં બંધ જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત બગડતા તેમને જોધપુર AIIMS ખાતે લઈ જવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જેલ પ્રશાસને તેમને નિષ્ણાત ડોક્ટરો પાસે તપાસ માટે મોકલ્યા છે.
જેલનું ખરાબ પાણી અને સ્વાસ્થ્ય સમસ્યાઓ
સોનમ વાંગચુકના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, જેલમાં મળતા ખરાબ પાણીને કારણે વાંગચુકને સતત પેટમાં દુખાવો અને ગેસ્ટ્રોની સમસ્યા થઈ રહી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે જેલ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો હતો કે તેમને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ (પેટના રોગોના નિષ્ણાત) પાસે તપાસ કરાવવામાં આવે.
AIIMS માં દોઢ કલાક સુધી ચાલી તપાસ
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે વાંગચુકને AIIMS જોધપુરના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યા, જ્યાં નિષ્ણાત ડોક્ટરોએ લગભગ દોઢ કલાક સુધી તેમની સ્વાસ્થ્ય તપાસ કરી હતી. શુક્રવારે પણ તેમને તપાસ માટે લાવવામાં આવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે 2 ફેબ્રુઆરી સુધીમાં સોનમ વાંગચુકનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચ સુનાવણી કરી રહી છે. રાજસ્થાન સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે જેલના ડોક્ટરોએ છેલ્લા 4 મહિનામાં 21 વખત વાંગચુકની તપાસ કરી છે. જોકે, વકીલ કપિલ સિબ્બલે જેલની પ્રાથમિક તપાસને અપૂરતી ગણાવી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની માંગ કરી હતી.












