ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સોમનાથમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ યથાવત, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવાનો ઇનકાર

Supreme Court: પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ તેમજ સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણય સામેનો કાનૂની વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સ્થાનિક 6 રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં દેશની સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઈકોર્ટને આગામી બે મહિનાની સમયમર્યાદામાં સમગ્ર અપીલનો આખરી નિકાલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના વચગાળાના સ્ટેમાં કોઈ દખલ કરવાનો ઈનકાર કરતાં હાલ પૂરતો કલેક્ટરનો પ્રતિબંધિત આદેશ અમલમાં રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સિંગલ જજે રદ કરેલા જાહેરનામા પર ડિવિઝન બેન્ચે મૂક્યો હતો સ્ટે

સમગ્ર મામલાની વિગત અનુસાર, ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર) દ્વારા ગત 10 ઑગસ્ટના રોજ એક જાહેરનામું બહાર પાડી સોમનાથ મંદિર પરિસર અને તેની આસપાસના નિયત વિસ્તારોમાં નોનવેજ ફૂડના વેચાણ, સંગ્રહ અને પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ જાહેરનામા સામે 6 રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુનાવણી બાદ હાઈકોર્ટના સિંગલ જજે કલેક્ટરના જાહેરનામાને અયોગ્ય ઠેરવી રદ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, રાજ્ય સરકારે આ આદેશ સામે તત્કાલ ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરતાં એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચે સિંગલ જજના ચુકાદા પર મનાઈહુકમ (સ્ટે) ફરમાવ્યો હતો, જેના પગલે પ્રતિબંધ પુનઃ લાગુ થઈ ગયો હતો.

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

ડિવિઝન બેન્ચ દ્વારા અપાયેલા સ્ટે સામે રેસ્ટોરન્ટ સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં વિશેષ રજા અરજી (SLP) દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદારોના એડવોકેટ અસરાર મન્સૂરીએ પ્રતિબંધ સામે દલીલો રજૂ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના વચગાળાના સ્ટે પર કોઈ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચને આ સમગ્ર કાનૂની વિવાદનો બે માસની અંદર આખરી ચુકાદો આપવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમના આ વલણને પગલે હાઈકોર્ટનો આખરી ફેંસલો ન આવે ત્યાં સુધી સોમનાથમાં નોનવેજ વેચાણ પરનો પ્રતિબંધ યથાવત રહેશે.

આ પણ વાંચો:  રણબીરની ‘રામાયણ’ના 400 કરોડના બજેટ પર શું બોલ્યા સલમાન ખાન?

સુનાવણી ચાલુ હતી ત્યારે મામલતદારે સહીઓ કેમ લીધી? હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ

આ કેસમાં રેસ્ટોરન્ટ માલિકોએ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત 7 ઑક્ટોબરે જ્યારે હાઈકોર્ટમાં કેસની પ્રથમ સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ સ્થાનિક મામલતદાર દ્વારા તમામ 6 સંચાલકોને પોલીસ મથકે બોલાવી ભવિષ્યમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવા અને નોનવેજ વેચાણ બંધ રાખવા અંગેના કબૂલાતનામા પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી લેવાઈ હતી. અદાલતી કાર્યવાહી દરમિયાન મામલતદાર દ્વારા લેવાયેલા આ પગલાં સામે ખુદ હાઈકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કરી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી કે જ્યારે મામલો ન્યાયાધીન હતો ત્યારે આવી કાર્યવાહી શા માટે કરવામાં આવી? હવે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં હાથ ધરાનારી સુનાવણી પર સોમનાથના હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ અને સ્થાનિક વેપારીઓની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલાં સરકારનો મોટો પ્રયાસ, સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં સફળ રોડ-શો

Back to top button