વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલાં સરકારનો મોટો પ્રયાસ, સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં સફળ રોડ-શો
Gujarat: ગુજરાતને વૈશ્વિક રોકાણનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો તેજ કર્યા છે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS-2027) પહેલાં ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં સફળ બિઝનેસ રોડ-શો યોજ્યો હતો. આ મુલાકાત દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગુજરાતમાં રોકાણ, ટેકનોલોજી ભાગીદારી અને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં રસ દર્શાવ્યો છે.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે 19થી 26 ઓક્ટોબર, 2026 દરમિયાન બંને દેશોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતમાં રોકાણની તકો રજૂ કરવા, વૈશ્વિક કંપનીઓ સાથે વ્યાપારી સંબંધો મજબૂત કરવા અને તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા આમંત્રણ આપવાનો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને ડિજિટલ ટેકનોલોજી પર ખાસ ભાર
આ રોડ-શો દરમિયાન સેમિકન્ડક્ટર, વોટર અને વેસ્ટવોટર મેનેજમેન્ટ, ડિજિટલ ટેકનોલોજી, હેલ્થકેર, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેરિટાઇમ સેવાઓ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનાં સચિવ પી. ભારતી (IAS), પ્લાનિંગ વિભાગનાં સચિવ આદ્રા અગ્રવાલ (IAS), DSTના જોઈન્ટ ડાયરેક્ટર વસીમ મન્સુરી, GIFT સિટીના AVP નિસર્ગ આચાર્ય સહિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, FICCI અને KPMGના પ્રતિનિધિઓ સામેલ હતા.
સિંગાપોરમાં 20 બેઠકો, અનેક કંપનીઓએ બતાવ્યો રસ
સિંગાપોર પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે કુલ 20 કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં 9 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 2 સરકારી બેઠકો, 5 રાઉન્ડટેબલ બેઠકો અને 4 સ્થળ મુલાકાતોનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી ગન સિઓવ હુઆંગ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત સિંગાપોરમાં ભારતના હાઈકમિશનર ડૉ. શિલ્પક અંબુલે દ્વારા આયોજિત ડિનરમાં પણ ભાગ લીધો હતો.
SSIA, SICCI, AIBP, TiE Singapore અને Singapore Gujarati Society સાથેની બેઠકોમાં સેમિકન્ડક્ટર, ઇનોવેશન, GIFT સિટી અને ટેલેન્ટ ડેવલપમેન્ટ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટી, ગ્લોબલ ટેક સોલ્યુશન્સ, ASMPTની યીશુન ફેસિલિટી અને A*STAR ફ્યુઝનોપોલિસની મુલાકાત લઈને તેમની ટેકનોલોજી અને સંશોધન ક્ષમતાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સિંગાપોરની કઈ કંપનીઓએ ગુજરાતમાં રોકાણમાં રસ બતાવ્યો?
સિંગાપોર પ્રવાસ દરમિયાન અનેક કંપનીઓએ ગુજરાતમાં અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ દર્શાવી હતી.
-
Global Tech Solutions: ધોલેરામાં ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યો.
-
ભારત સેમિટેક: સાણંદમાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગની શક્યતાઓ અંગે રસ બતાવ્યો.
-
Micron Technology: એસેમ્બલી અને ટેસ્ટિંગ કામગીરીના વિસ્તરણ અંગે ચર્ચા કરી.
-
ASMPT: સેમિકન્ડક્ટર પેકેજિંગ ઇકોસિસ્ટમ વિકસાવવાની સંભાવનાઓ દર્શાવી.
-
Autodesk: GIFT સિટીમાં ઓફિસ શરૂ કરવાની ઉત્સુકતા બતાવી.
-
Redwood Interior: પોરબંદરમાં ફર્નિચર ઉત્પાદન ક્ષેત્રે રસ દાખવ્યો.
-
Gardant AMEA: કેન્સર નિદાન ક્ષેત્રે ગુજરાતની સંસ્થાઓ સાથે સહયોગ અંગે ચર્ચા કરી.
-
Capel Infrastructure: ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે પાણી, ઊર્જા અને કૂલિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવાની તકો અંગે રસ બતાવ્યો.
-
SMIT Salvage: ગુજરાતમાં ઓપરેશનલ બેઝ સ્થાપવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો.
-
De Nora: સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વેસ્ટવોટર સોલ્યુશન્સમાં રસ દર્શાવ્યો.
-
A STAR: સિલિકોન ફોટોનિક્સ અને SiC ટેકનોલોજીમાં સંશોધન સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરી.
સિંગાપોર ગુજરાતી સોસાયટી અને SICCI સાથેની બેઠકમાં સિંગાપોરમાં ગુજરાત સપોર્ટ ઓફિસ અથવા ASEAN ક્ષેત્ર માટે GIFT સિટીનું પ્રતિનિધિ કાર્યાલય શરૂ કરવાનો વિચાર પણ રજૂ થયો હતો.
દક્ષિણ કોરિયામાં 25 કાર્યક્રમો, ઔદ્યોગિક ક્ષેત્રે સહયોગની ચર્ચા
સિંગાપોર બાદ પ્રતિનિધિમંડળે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. અહીં કુલ 25 કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 15 વન-ટુ-વન બિઝનેસ મીટિંગ્સ, 3 રાઉન્ડટેબલ બેઠકો અને 7 સ્થળ મુલાકાતોનો સમાવેશ થાય છે. ભારતીય દૂતાવાસ અને ‘મેક ઇન ઇન્ડિયા કોરિયા’ના સહયોગથી કોરિયન બિઝનેસ લીડર્સ સાથે બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત ICCKના સભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે HJ Heavy Industries, Hanwha Ocean, Hanyang Engineering, GnBS Eco, Gachon University MRI Research Centre, Dawon Medex BNCT Centre અને Seoul Semiconductor જેવા ઔદ્યોગિક તથા ટેકનોલોજી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. દક્ષિણ કોરિયામાં સેમિકન્ડક્ટર, ડિસ્પ્લે ટેકનોલોજી, ડેટા સેન્ટર, શિપબિલ્ડિંગ, કેમિકલ્સ, બાયોટેકનોલોજી, ક્લીન એનર્જી, રોબોટિક્સ અને એગ્રીટેક જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીની શક્યતાઓ પર ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: 56 ઘાટ, 30 લાખ દીવા અને 2100 ડ્રોન… અયોધ્યા રચશે નવો ઇતિહાસ!
ધોલેરાથી પોરબંદર સુધી રોકાણની સંભાવનાઓ
દક્ષિણ કોરિયાની કંપનીઓએ ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે રસ દર્શાવ્યો છે.
-
GnBS Eco: ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ઉત્પાદન માટે 12 એકર જમીનની માંગ કરી છે.
-
Silicon Display: 12-ઇંચ TFT ફિંગરપ્રિન્ટ સેન્સર સેમિકન્ડક્ટર ફેબ સ્થાપવામાં રસ બતાવ્યો.
-
LAMKO અને Dongwoo Fine-Chem: ધોલેરા અથવા વડોદરામાં સેમિકન્ડક્ટર કેમિકલ્સ અને મટિરિયલ્સનું ઉત્પાદન કરવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરી.
-
Seoul Semiconductor: LED અને માઇક્રો LED ઉત્પાદન ક્ષેત્રે રસ દર્શાવ્યો.
-
NOVA Data Centers: Infixzone Technologies અને Futureotech Solutions સાથે મળીને ગુજરાતમાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના રજૂ કરી.
-
Hanwha અને Dasun Shipbuilding: પીપાવાવ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ સાથે શિપબિલ્ડિંગ તથા મેરિટાઇમ ઉદ્યોગમાં ભાગીદારીની ઇચ્છા દર્શાવી.
-
HJ Heavy Industries: પોરબંદરમાં કોસ્ટલ ટૂરિઝમ, હોસ્પિટાલિટી અને આંતરરાષ્ટ્રીય રિસોર્ટ પ્રોજેક્ટ્સ વિકસાવવા રસ બતાવ્યો.
આ ઉપરાંત દક્ષિણ કોરિયાની કંપની SOFTPV સાથેની બેઠકમાં કોરિયન રોકાણકારોને માર્ગદર્શન અને પ્રોજેક્ટ્સની સુવિધા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં મોટા રોકાણની આશા
ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ આઠ દિવસીય મુલાકાતથી સિંગાપોર અને દક્ષિણ કોરિયાના રોકાણકારોમાં ગુજરાત પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ, હેલ્થકેર, AI અને ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં થયેલી ચર્ચાઓ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ મુલાકાતથી ગુજરાતમાં નવી ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને ઔદ્યોગિક વિકાસ માટેની તકો ઊભી થવાની આશા છે. હવે સૌની નજર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પર છે, જ્યાં આ ચર્ચાઓને નક્કર રોકાણ અને પ્રોજેક્ટ્સમાં પરિવર્તિત કરવાની તક મળશે.












