ગુજરાતટોપ ન્યૂઝ

સોલા સિવિલમાં દર્દીઓને મુશ્કેલી પર મુશ્કેલી, હોસ્પિટલ મેનેજમેન્ટ સામે ઉઠ્યા સવાલ

  • PMJAY કાઉન્ટર પર કલાકોની રાહ, વ્હીલચેરનો અભાવ
  • ચાર માળ સુધી લાકડીના ટેકે ચઢવા-ઉતરવા દર્દીઓ મજબૂર
  • હોસ્પિટલના સંચાલન સામે દર્દીઓમાં ભારે આક્રોશ

Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની ઋતુ દરમિયાન દર્દીઓને સારવાર કરતાં વધુ અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સામાન્ય રીતે વરસાદી મોસમમાં વાયરલ તાવ, ચેપજન્ય રોગો અને અન્ય બીમારીઓના કેસ વધતા હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. જોકે, દર્દીઓ અને તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં ગંદકી, વરસાદી પાણી ભરાવા અને વ્યવસ્થાના અભાવને કારણે સારવાર લેવા આવેલા લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

દર્દીઓના જણાવ્યા મુજબ હોસ્પિટલના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હોવાથી લપસીને પડી જવાનો ભય રહે છે. દર્દીઓનો સવાલ છે કે તેઓ બીમારીની સારવાર માટે હોસ્પિટલ આવે કે પછી ગંદકી અને પાણીના કારણે ઇજાગ્રસ્ત થવાનો ભોગ બને?

PMJAY કાર્ડ માટે દર્દીઓની કસોટી

હાડકાના વિભાગમાં દાખલ થયેલા દર્દીઓ માટે PMJAY યોજના હેઠળ સારવાર મેળવવા કાર્ડ બનાવવું જરૂરી હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ દર્દીઓનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં પૂરતી વ્હીલચેર ઉપલબ્ધ નથી. 20થી 25 દર્દીઓ વચ્ચે માત્ર એક કે બે વ્હીલચેર હોવાના કારણે અનેક દર્દીઓને લાકડીના ટેકે અથવા સગાંઓના સહારે ચાર-ચાર માળ સુધી ચઢવું-ઉતરવું પડે છે. દર્દીઓનું કહેવું છે કે હાડકાની ગંભીર તકલીફ હોવા છતાં તેમને જાતે જ PMJAY કાઉન્ટર સુધી જવાની ફરજ પડે છે, જે તેમના માટે અત્યંત પીડાદાયક સાબિત થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

‘સવારે આવો… સાંજે આવો… કાલે આવો’ના જવાબથી દર્દીઓ પરેશાન

દર્દીઓ અને તેમના સગાંઓનો વધુ એક આક્ષેપ છે કે PMJAY સંબંધિત પ્રક્રિયા માટે તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે. સવારે જનારને “સાંજે આવો” અને સાંજે જનારને “કાલે આવો” જેવા જવાબ મળતા હોવાનો આરોપ છે. પરિણામે દર્દીઓ કલાકો સુધી હોસ્પિટલમાં રાહ જોતા રહે છે અને ભારે હાલાકી ભોગવે છે.

8 બારીઓ છતાં એક જ કાઉન્ટર પર ભીડ

PMJAY માટે હોસ્પિટલમાં આઠ બારીઓ હોવા છતાં દર્દીઓનો આક્ષેપ છે કે કામગીરી મુખ્યત્વે એક જ બારી પરથી થતી હોવાથી ભારે ભીડ સર્જાય છે. બાકીની બારીઓ પર કામગીરી ન થતી હોવાનો આરોપ દર્દીઓએ લગાવ્યો છે. પરિણામે વૃદ્ધો, દિવ્યાંગો અને ઇજાગ્રસ્ત દર્દીઓને લાંબા સમય સુધી લાકડીના ટેકે ઉભા રહેવું પડે છે.

નોડલ ઓફિસર પર પણ ઉઠ્યા સવાલ

દર્દીઓના જણાવ્યા અનુસાર PMJAY અંગે માહિતી મેળવવા નોડલ ઓફિસરનો સંપર્ક કરતાં પણ સ્પષ્ટ માહિતી મળતી નથી. દર્દીઓનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ પાસે પૂરતી માહિતી અને યોગ્ય માર્ગદર્શનનો અભાવ જોવા મળે છે, જેના કારણે દર્દીઓ વધુ મુશ્કેલીમાં મુકાય છે.

દર્દીઓમાં ભારે આક્રોશ

હોસ્પિટલમાં ગંદકી, વરસાદી પાણી, વ્હીલચેરની અછત, PMJAY પ્રક્રિયામાં વિલંબ અને સંચાલનની ખામીઓને લઈને દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દર્દીઓની માંગ છે કે હોસ્પિટલ પ્રશાસન તાત્કાલિક વ્યવસ્થામાં સુધારો કરે, પૂરતી વ્હીલચેર ઉપલબ્ધ કરાવે, PMJAY કાઉન્ટરની કામગીરી સુવ્યવસ્થિત બનાવે અને ચોમાસામાં દર્દીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે.

આ પણ વાંચો: ચોમાસા વચ્ચે ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો, ગોધરામાં બે બાળકોના મોતથી ચિંતા

Back to top button