વિશાખાપટ્ટનમના સિમ્હાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દીવાલ પડતા 8 શ્રદ્ધાળુના મૃત્યુ

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિમ્હાચલમ સ્થિત શ્રી વરાહાલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં બુધવાર સવારે ચંદનોત્સવ દરમ્યાન એક મોટી દુર્ઘટના થઈ ગઈ. ભારે વરસાદ અને ભારે પવનના કારણે મંદિર પરિસરમાં હાલમાં જ બનેલી દીવાલ પડી ગઈ, જેની નીચે દબાઈને 8 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 3 અન્ય ઘાયલ થઈ ગયા છે. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલા છે. આ ઘટનાથી મંદિરમાં રહેલા ભક્તોમાં ડરનો માહોલ છે. એનડીઆરએફ અને એસડીઆરફની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. લોકોનું રેસ્ક્યૂ થઈ રહ્યું છે.
ભારે વરસાદના કારણે આ દુર્ઘટના થઈ
ભારે વરસાદ પછી ભારે પવન ફૂંકાતા સિંહચલમ ટેકરી પર રાત્રે લગભગ 2:15 વાગ્યે આ દુર્ઘટના થઈ. આ દરમિયાન, 300 રૂપિયાની ટિકિટ માટે કતારમાં ઉભા રહેવા માટે બનાવેલી નવી દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બચાવ ટીમોએ કાટમાળમાંથી સાત મૃતદેહો બહાર કાઢ્યા અને ઘાયલોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની શક્યતા હોવાથી બચાવ કામગીરી ચાલુ છે.
બચાવ કામગીરીનું નિરીક્ષણ
જિલ્લા કલેક્ટર એમ.એન. હરેનધીર પ્રસાદ અને શહેર પોલીસ કમિશનર શંખબ્રત બાગચી ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. બંને અધિકારીઓએ રાહત કાર્ય ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા સૂચનાઓ આપી. આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતા અને વિશાખાપટ્ટનમના સાંસદ એમ શ્રીભારતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સિંહાચલમ મંદિરની મુલાકાત લીધી. ગૃહમંત્રી અનિતાએ કહ્યું, ‘આ દીવાલ તાજેતરમાં બનાવવામાં આવી હતી. તેની ગુણવત્તા તપાસવામાં આવશે. ઘાયલોની સારવાર ચાલી રહી છે, અને અમે ખાતરી કરી રહ્યા છીએ કે તેમને શ્રેષ્ઠ તબીબી સંભાળ મળે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ફફડાટ: અડધી રાતે પ્રેસ કોન્ફ્રરન્સ કરી કહ્યું- ભારત 24થી 36 કલાકમાં કરી શકે છે હુમલો












