
Gujarat News : અમદાવાદમાં 26 જુલાઈ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો આવ્યો છે. 2008માં અમદાવાદ શહેરમાં માત્ર 70 મિનિટના ગાળામાં થયેલા 21 સંકલિત બોમ્બ વિસ્ફોટથી સમગ્ર અમદાવાદ હચમચી ગયું હતું. જેમાં શહેરમાં મણિનગર, સારંગપુર, ઈસનપુર, રાયપુર, રાજસ્થાન હોસ્પિટલ (શાહીબાગ), સિવિલ હોસ્પિટલ (અસારવા), એલ.જી.હોસ્પિટલ (મણિનગર), અને કાલુપુર સહિતના 21 અલગ-અલગ સ્થળે વિસ્ફોટ થયા હતા.
જાહેર સ્થળો અને હોસ્પિલોને નિશાન બનાવતા આ વિસ્ફોટમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 82 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઈ
આગળ આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. આ કેસમાં 35 FIR દાખલ થઈ હતી અને 58 ચાર્જશીટ રજૂ કરાઈ હતી. તેમજ કુલ 1163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જે બાદ આ બ્લાસ્ટમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એક દાયકાથી વધુ ચાલેલી આ કાનૂની લડાઈમાં 8 ફેબ્રુઆરી 2022ના રોજ સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ કેસના આંકડા જ ન્યાયતંત્રની મથામણ દર્શાવે છે. નિયમ મુજબ, જ્યારે પણ સ્પેશિયલ કોર્ટ ફાંસીની સજા સંભળાવે, ત્યારે હાઈકોર્ટની મંજૂરી (CrPC કલમ 366 હેઠળ ક્રિમિનલ કન્ફર્મેશન) જરૂરી હોય છે. આ કેસ જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે તેના દસ્તાવેજો આશરે 7.88 લાખ પાનાના હતા. હાલમાં હાઈકોર્ટની બેન્ચ આ તમામ પુરાવા અને ફાંસીની સજાની કાનૂની સમીક્ષા કરી રહી છે, જે ભારતના ઇતિહાસની સૌથી જટિલ ન્યાયિક પ્રક્રિયાઓમાંથી એક છે.
વિશેષ અદાલતે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા
અમદાવાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.આર. પટેલે 78માંથી 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. ત્યારે અદાલતે 38 દોષિતોને ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ફાંસીની સજા ફટકારી હતી.
11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરવામાં આવી હતી. 48 દોષિતો પર 2.85 રૂપિયા લાખ અને એક દોષિત પર 2.88 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. ત્યારે આજે હાઈકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખી છે.
ચુકાદામાં પીડિતોના પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત
ગુજરાત હાઈકોર્ટે આ સજા યથાવત્ રાખવાની સાથે જ પીડિત પરિવારો માટે આર્થિક વળતરનો પણ ચુકાદો આપ્યો છે. આ ધડાકાઓમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરાયો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને 1 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ આપ્યો છે. હાલમાં હાઈકોર્ટમાં આ મામલે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને આ ઐતિહાસિક ચુકાદાથી પીડિતોને આખરે ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો : કારગિલ વિજયના અમર હીરો વિક્રમ બત્રા, જેઓએ ઇતિહાસ રચ્યો હતો












