સેહવાગે સચિનને લઈ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતવાર

નવી દિલ્હી, તા. 15 ઓગસ્ટ, 2025: ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું 2007-08માં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી ચૂક્યા હતા, પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેમને નિવૃત્તિ લેતા અટકાવ્યા હતા. આ ઘટના 2007-08ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરની કોમનવેલ્થ સિરીઝની છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને ભારત ઉપરાંત શ્રીલંકા પણ સામેલ હતા.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ તે સિરીઝમાં ચેમ્પિયન બની હતી. સેહવાગે પદ્મજીત સેહરાવતના પોડકાસ્ટ પર પોતાના કરિયરના ખરાબ સમયનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શરૂઆતની ત્રણ મેચો બાદ કેપ્ટન એમ.એસ. ધોનીએ તેમને પ્લેઇંગ-11માંથી બહાર કરી દીધા હતા. ત્યારબાદ સેહવાગ 4-5 મેચ માટે બેન્ચ પર બેઠા રહ્યા. આથી, તેમને લાગ્યું કે જો હવે તેઓ પ્લેઇંગ-11નો ભાગ ન હોઈ શકે, તો વન-ડે ક્રિકેટ રમવાનો કોઈ ફાયદો નથી. આ વિચારીને તેઓ સચિન તેંડુલકર પાસે ગયા અને નિવૃત્તિ લેવાની વાત કરી હતી.
સેહવાગે જણાવ્યું, તે સમયે સચિને મને કહ્યું કે મારા જીવનમાં પણ 1999-2000માં એવો સમય આવ્યો હતો જ્યારે મને લાગ્યું હતું કે કદાચ ક્રિકેટ છોડી દેવી જોઈએ. તે સમય આવ્યો હતો, અને તે પસાર પણ થઈ ગયો. તારો પણ આ ખરાબ સમય છે, તે પસાર થઈ જશે. ભાવુક થઈને વન-ડેમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ન લે. થોડો સમય આપ અને એક-બે સિરીઝ વધુ જો. ત્યારબાદ નિર્ણય કરજે.
આ સલાહ બાદ સેહવાગે પોતાનો નિર્ણય બદલ્યો. તે સિરીઝ પૂરી થઈ અને ત્યારબાદની સિરીઝમાં તેઓ પ્લેઇંગ-11માં રમ્યા અને ઘણા રન પણ બનાવ્યા. આ પછી, તેઓ 2011નો વર્લ્ડ કપ પણ રમ્યા અને ભારત તે વર્લ્ડ કપ જીત્યું પણ હતું.
સેહવાગે 104 ટેસ્ટ મેચમાં 8,586 રન બનાવ્યા, જેમાં 23 સદી અને 32 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારી છે. 2004માં પાકિસ્તાન સામે મુલતાનમાં 309 રન અને 2008માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નઈમાં 319 રન બનાવ્યા હતા. તેણે 251 વન-ડે મેચમાં 8,273 રન બનાવ્યા, જેમાં 15 સદી અને 38 અર્ધસદી સામેલ છે. તેમનો સ્ટ્રાઇક રેટ 104.33 રહ્યો હતો. તેઓ 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો મહત્વનો સભ્ય હતો. 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામે તેમણે 219 રન ફટકારીને વન-ડેમાં બેવડી સદી બનાવનાર સચિન તેંડુલકર પછી બીજા બેટ્સમેન બન્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો માટે સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય












