ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર, આ શહેરમાં તાપમાન 41.60 ડિગ્રીને પાર

- કાળઝાળ ગરમીનો કહેર સતત બીજા દિવસે વર્તાયો
- ગરમીનો પ્રકોપ શરૂ રહેતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા
- લોકોએ ઘર-ઓફિસોમાંથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું
ગુજરાત હવે અગન ભઠ્ઠીમાં ફેરવાઈ રહ્યું હોય તેમ કાળઝાળ ગરમીનો કહેર સતત બીજા દિવસે વર્તાયો હતો. ગરમીનો પારો 41 ડિગ્રીથી ઉપર રહેતા બપોરે અંગ દઝાડતી ગરમી પડી છે.
ગરમીનો પ્રકોપ શરૂ રહેતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા
મોડી સાંજ બાદ પણ ગરમીનો પ્રકોપ શરૂ રહેતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. એપ્રિલના અંતિમ તબક્કામાં રાજ્યના અન્ય શહેરોની સાથે અમદાવાદમાં પણ આગ ઝરતી ગરમીનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે સોમવારે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયા બાદ આજે મંગળવારે તાપમાનમાં તો અર્ધો ડિગ્રીના ઘટાડો થયો હતો. પરંતુ મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેતા ગરમીમાં કોઈ રાહત મળી શકી ન હતી.
લોકોએ ઘર-ઓફિસોમાંથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું
બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી તો જાણે આભમાંથી અગ્નિ વરસી રહી હોય તેમ બળબળતી ગરમીનો અહેસાસ થયો હતો. આકરા તાપની સાથે ગરમ અને ભેજવાળી હવાએ મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જેના કારણે લોકોએ ઘર-ઓફિસોમાંથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું.
હીટવેવની સાથે રાજકોટમાં ઓરેન્જ ઍલર્ટ આપ્યું
ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમીનો પારો સાતમા આસમાને છે. એવામાં 46 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 133 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. જોકે, રાજકોટવાસીઓને હજુ રાહત નહીં મળે. કારણ કે, હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સાથે રાજકોટમાં ઓરેન્જ ઍલર્ટ આપ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના પેન્શનરોના ફાયદા માટે રાજ્ય સરકારે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય












