ચૂંટણી પંચનું કામ લોકોની નાગરિકતા ટેસ્ટ કરવાનું નથી… સુપ્રીમ કોર્ટમાં SIR સુનાવણી પર સિંધવીની ટિપ્પણી
નવી દિલ્હી: 2 ડિસેમ્બર, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટમાં બિહાર SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કેસની સુનાવણી તેજ થઈ ગઈ છે. સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ ગયા અઠવાડિયેથી પોતાની દલીલો ચાલુ રાખી. તેમણે ચૂંટણી પંચ (ECI) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અનુચ્છેદ 324 હેઠળ ECIની શક્તિ RP એક્ટ (Representation of People Act)થી બંધાયેલી છે. જ્યારે કાયદા અને નિયમો પહેલેથી જ હાજર હોય, ત્યારે ચૂંટણી પંચે બિન-કાર્યકારી શક્તિનો ઉપયોગ ન કરવો જોઈએ.
ECIની સત્તા પર સવાલો
સિંધવીએ કોર્ટને જણાવ્યું કે, “ECI નિયમોની વિરુદ્ધ જઈ શકે નહીં. કોઈપણ કાયદામાં જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો પર વિચાર કરવાની છૂટ નથી. જૂન 2025 સુધી માત્ર ફોર્મ 7 હતું, પછી અચાનક આ 11 દસ્તાવેજોની સિસ્ટમ લાવી દીધી. ECIની પાવર ફોર્મ 7 હેઠળ જ છે. તેઓ 1987થી 2005ની વચ્ચે જન્મેલા દરેક વ્યક્તિને ‘ટેમ્પરરી રેઝિડેન્ટ’ ઘોષિત કરી રહ્યા છે. આ RP એક્ટને બાયપાસ કરતું વ્યાપક અને અભૂતપૂર્વ પગલું છે.
જથ્થાબંધ સુધારણા (En Masse Revision)
સિંધવીએ દલીલ કરી કે, ECI નાગરિકતાના મુદ્દા ઉઠાવી રહ્યું છે, જે RP એક્ટ હેઠળ વ્યક્તિગત અર્ધ-ન્યાયિક પ્રક્રિયા (Individual Quasi-Judicial Process)થી તદ્દન વિપરીત છે. ECIને એન માસ (જથ્થાબંધ) રિવિઝન કરવાનો હક નથી. RP એક્ટ કહે છે કે રિવિઝન માત્ર એક મતવિસ્તાર (Constituency) અથવા તેના ભાગ સુધી મર્યાદિત હોઈ શકે છે.”
કોર્ટનો પ્રશ્ન અને સિંધવીનો જવાબ
કોર્ટે વચ્ચે સવાલ કર્યો કે, શું ECIને પોતાના નિયમો મુજબ સ્પેશિયલ રિવિઝન કરાવવાની શક્તિ છે કે RP એક્ટ મુજબ જ ચાલવું પડશે?
સિંધવીએ સીધો જવાબ આપ્યો: “ના, માય લૉર્ડ. તેમને મતવિસ્તાર મુજબ જ ચાલવું પડશે. ઈતિહાસમાં માત્ર ઠાકુરદ્વારામાં એક SIR થયો હતો. બાકી બધા ઇન્ટેન્સિવ રિવિઝન હતા.
‘બર્ડન ઓફ પ્રૂફ’ ઉલટાવવાનો આરોપ
સિંધવીએ આરોપ લગાવ્યો કે ECI બર્ડન ઓફ પ્રૂફ (સાબિતીનો ભાર) ઉલટાવી રહ્યું છે. ECI નાગરિકતા ટેસ્ટ કરવાનો પાવર નથી ધરાવતું. BLO/ERO ને શંકાસ્પદ બિન-નાગરિકોની રિપોર્ટિંગ કરવા કહીને તેઓ અનુચ્છેદ 324 ઉલ્લંઘન કરી રહ્યા છે. દરેક વ્યક્તિને ‘ટેમ્પરરી સિટીઝન’ની લિસ્ટમાં મૂકી દીધા – હવે મારે સાબિત કરવું પડશે કે હું નાગરિક છું, જ્યારે ઓબ્જેક્ટરને સાબિત કરવું જોઈએ કે હું નથી. આ બર્ડન ઓફ પ્રૂફને રિવર્સ કરી રહ્યું છે.”
કોર્ટની ટિપ્પણી: ‘ટ્રસ્ટ ડેફિસિટ’નો મુદ્દો
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ પ્રક્રિયા મતદાર-મૈત્રીપૂર્ણ લાગે છે, પરંતુ સિંધવીએ અસહમતી વ્યક્ત કરી. દસ્તાવેજોમાં મોટા ગેપ છે. બિહારમાં કવરેજ ઓછું છે, આ એક્સક્લુઝનરી છે. CJI સૂર્યા કાંતે કહ્યું કે, ECIને ક્યારેય SIRની પાવર નહીં મળે… પ્રોસેસને જસ્ટિફાય કરવી પડશે.
આ સુનાવણી બિહાર ઉપરાંત તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીના SIR પર પણ અસર કરી રહી છે. હવે આગામી સુનાવણીમાં ECIનો જવાબ સાંભળવામાં આવશે.












