મુકેશ અંબાણીની સુરક્ષા પર સવાલ ઉઠાવનારને સુપ્રીમ કોર્ટે શું લગાવી ફટકાર?

નવી દિલ્હી, તા. 14 જૂન, 2025: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવા પર સવાલ ઉઠાવનારને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. અરજીકર્તા પાસે આ મામલે કોઈ કાનૂની અધિકાર ન હોવાનું પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેથી ફટકાર લગાવવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, રાજનેતા કે કારોબારીની સુરક્ષાને લઈ શું જરૂરી પગલા ભરવા તે રાજ્ય સરકારનો નિર્ણય છે.
ન્યાયાધીશ પી.કે. મિશ્રા અને ન્યાયાધીશ મનમોહનની બેન્ચે શુક્રવારે અરજદારને જ સવાલ પૂછ્યો કે કોને સુરક્ષા આપવી જોઈએ અને કોને નહીં તે કોર્ટ નક્કી કરશે. તેમણે અરજદાર વિકાસ સાહાને પૂછ્યું કે જો ભવિષ્યમાં કોઈ અપ્રિય ઘટના બને તો શું તે તેની જવાબદારી લેશે? ન્યાયાધીશ મનમોહને કડક વલણ અપનાવતા પૂછ્યું, કોને ખતરો છે તે નક્કી કરનારા તમે કોણ છો? ભારત સરકાર તેને નક્કી કરશે. જો કાલે કોઈ દુર્ઘટના થઈ જાય તો શું તમે તેની જવાબદારી લેશો કે અદાલત તેની જવાબદારી લેશે?
અદાલતે અરજદારને ચેતવણી આપી અને કહ્યું કે તે અદાલતની પ્રક્રિયાને દબાણમાં લાવવાનો પ્રયાસ ન કરે. જસ્ટિસ મનમોહને કહ્યું, આ ખૂબ ગંભીર મામલો છે અને અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ. અમે અહીં તમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે નથી બેઠા.
આ પછી અદાલતે અરજીને ફગાવી દીધી અને કહ્યું કે આ મામલે 22 જુલાઈ, 2022 ના રોજ જ આદેશ પસાર કરી દેવામાં આવ્યો છે. આ પછી અરજદારે ફરી એકવાર આવી જ બીજી અરજી દાખલ કરી હતી અને ત્યારે પણ તેને ફગાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ દુશ્મન દેશ પાકિસ્તાનના દોસ્ત તુર્કીએનું કાવતરું?












