અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે સંસ્કૃત પખવાડિયાની ઉજવણી, ગૌરવ યાત્રાનું આયોજન

અમદાવાદ, 7 ઓગસ્ટ 2025: શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે ઉજવાતા વિશ્વ સંસ્કૃત દિવસની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ છે. આ નિમિત્તે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક અઠવાડિયા સુધી સંસ્કૃત પખવાડિયા તરીકે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો ઉદ્દેશ સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે. અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિવસના અનુસંધાને રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાનું પ્રસ્થાન અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોકથી કરવામાં આવ્યું હતું. આ યાત્રા દ્વારા સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃત પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજ્ય સંસ્કૃત બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે આ પખવાડિયા દરમિયાન સંસ્કૃત ભાષાને લગતી વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી યુવા પેઢીમાં આ પ્રાચીન ભાષા પ્રત્યે રુચિ જાગે. આ ઉજવણી દ્વારા સંસ્કૃત ભાષાને લોકભાષા તરીકે પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.












