ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જે સંજય કુમારની પોસ્ટ દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચ પર કર્યા પ્રહાર, તેણે પોસ્ટ ડિલીટ કરી માંગી માફી

નવી દિલ્હીઃ 19 ઓગસ્ટ, 2025: EC: ચૂંટણી વિશ્લેષક અને લોકનીતિ-CSDS સંયોજક સંજય કુમારે મહારાષ્ટ્રની મતદાર યાદી પર પ્રશ્નો ઉઠાવવા બદલ માફી માંગી પોતાની જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી ડિલીટ કરી દીધી છે. સંજય કુમારના આ આંકડાઓનો ઉપયોગ કરીને કોંગ્રેસે ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સંજય કુમારની આ પોસ્ટનો ઉલ્લેખ કરીને ચૂંટણી પંચ પર અનેકવાર પ્રહાર કર્યા હતા. હવે સંજય કુમારે માફી માંગી છે અને કહ્યું છે કે, 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીના આંકડાઓની સરખામણી કરવામાં ભૂલ થઈ હતી. ત્યારબાદ તેમણે આ સંબંધિત જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

સંજય કુમારે માંગી માફી

સંજય કુમારે કહ્યું કે, ‘ડેટા ટીમે આંકડાઓનો અભ્યાસ કરતી વખતે ભૂલ કરી હતી. અમારો હેતું કોઈ ખોટી માહિતી આપવાનો નહોતો. ‘

ભાજપના પ્રહાર

જોકે, સંજય કુમારની માફી બાદ ભાજપને કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે. ભાજપે કહ્યું કે આ ‘પ્રામાણિક ભૂલ’ હતી.

ભાજપના આઈટી ચીફ અમિત માલવિયાએ કહ્યું કે, દરેક ચૂંટણીમાં એવું બને છે કે પહેલા કહેવામાં આવે છે કે ભાજપ હારી રહ્યું છે. પરંતુ જ્યારે સ્થિતિ બદલાય છે, ત્યારે ભાજપ કેવી રીતે જીત્યું તેની ચર્ચા શરૂ થાય છે. આ એ જ લોકો છે જે કોઈક રીતે સમજાવે છે કે ભાજપ કેવી રીતે જીત્યું. તેઓ માને છે કે ટીવી જોનારા લોકો મૂર્ખ છે. તેમણે કહ્યું કે, સીએસડીએસે આંકડા તપાસ્યા વિના પોસ્ટ કર્યા. આનાથી કોંગ્રેસને મહારાષ્ટ્રમાં કાવતરું રચવાની તક મળી.

સંજય કુમારનો દાવો શું હતો?

ડિલીટ કરવામાં આવેલી પોસ્ટમાં સંજય કુમારે દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રના રામટેક વિધાનસભા નંબર 59માં કુલ 4,66,203 મતદારો હતા, જ્યારે વિધાનસભા ચૂંટણી દરમિયાન આ સંખ્યા ઘટીને માત્ર 2,86,931 થઈ ગઈ. આવી સ્થિતિમાં, બે ચૂંટણીઓ વચ્ચે મતદારોની સંખ્યામાં 38 ટકાનો ઘટાડો થયો.

સંજય કુમારે બીજો દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી દરમિયાન દેવલાલી વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા 4,56,072 હતી, જે વિધાનસભા ચૂંટણી દરમિયાન ઘટીને 2,88,141 થઈ ગઈ. આ રીતે મતદારોની સંખ્યામાં 36 ટકાનો ઘટાડો થયો. ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધી જે સંસ્થાઓના ડેટા પર વિશ્વાસ કરે છે તે સ્વીકારી રહી છે કે તેમનો ડેટા ખોટો હતો. આ ફક્ત મહારાષ્ટ્રના મતદારોને બદનામ કરવાનો પ્રયાસ છે.

ચૂંટણી પંચ સાથે સંઘર્ષ

રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ લગાવતી પ્રેઝન્ટેશન આપી હતી. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠક પર મતદાર યાદીમાં ધાંધલી થઈ છે. તેમણે સંજય કુમારના ડેટાનું ઉદાહરણ આપીને મહારાષ્ટ્રમાં પણ વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો.

આ વિશે વધુ વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારમાં પણ સરકાર ફક્ત SIR કરાવીને વોટ ચોરી કરવા માંગે છે. તેમણે ચૂંટણી પંચ અને ભાજપ પર મિલીભગતનો પણ આરોપ લગાવ્યો. ત્યાર બાદ, ચૂંટણી પંચે પણ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો અને તેમના દાવાઓને ફગાવી દીધા. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, રાહુલ ગાંધી પાયાવિહોણા દાવા કરી રહ્યા છે અને આ માટે તેમણે સોગંદનામું આપીને દેશની જનતાની માફી માંગવી જોઈએ.

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગન પ્રસ્તાવ લાવશે વિપક્ષ?

મળતી માહિતી મુજબ, ઈન્ડિયા એલાયન્સ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માંગે છે. વિપક્ષનું કહેવું છે કે, જ્ઞાનેશ કુમાર ભાજપના પ્રવક્તા જેવું વર્તન કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયા ગઠબંધનની બેઠક દરમિયાન મહાભિયોગ પર ચર્ચા થઈ હતી. જોકે, કોઈ પણ નેતાએ આ વાતની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચોઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 17 વર્ષ બાદ નવા પરિવારની એન્ટ્રી, 4 નવા કલાકારો સાથે રંગ જમાવશે

આ પણ વાંચોઃ Artificial Intelligence: ગેમિંગ ઉદ્યોગ પર AIનું રાજ!, આ રીતે AI ડેવલપર્સને કરી રહ્યું છે મદદ

Back to top button