વર્લ્ડ કપની હારને યાદ કરી ભાવુક થયો રોહિત, જાણો શું કહ્યું
Rohit Sharma : વર્ષ 2023માં અમદાવાદના મેદાન પર રમાયેલા વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમને હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારે આખી ટીમને અંદરથી હચમચાવી દીધી હતી. આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે આ હારથી ટીમમાં જીતવાની એવી જબરદસ્ત ભૂખ અને તડપ પેદા થઈ, જેના કારણે ટીમે તેના પછીના જ વર્ષે 11 વર્ષનો ICC ટ્રોફીનો દુષ્કાળ સમાપ્ત કરીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
19 વર્ષની કારકિર્દીમાં 19 નવેમ્બર જેવું દર્દ ક્યારેય અનુભવ્યું નથી: રોહિત શર્મા
રોહિત શર્માએ જણાવ્યું કે; વર્ષ 2007થી અત્યાર સુધીની તેમની 19 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં આ સમય સૌથી મુશ્કેલ રહ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે અગાઉ ક્યારેય આવો ખરાબ સમય અનુભવ્યો નહોતો.
રોહિતે જણાવ્યું કે વર્ષ 2012માં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન જ્યારે તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું, ત્યારે તેઓ પોતાની રમતથી નિરાશ થયા હતા. જોકે, તે તેમની વ્યક્તિગત સફળતા સાથે જોડાયેલો મામલો હતો. પરંતુ 19 નવેમ્બરનો દિવસ માત્ર તેમનો વ્યક્તિગત મુદ્દો નહોતો, પરંતુ સમગ્ર દેશનું સપનું હતું કે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતે. આ સપનું પૂરું ન કરી શકવું તેમના માટે સૌથી વધુ દુઃખદ અને મુશ્કેલ અનુભવ હતો.
જો એ હાર ન મળી હોત, તો કદાચ ટીમ T20 વર્લ્ડ કપ જીતી ન શકી હોત: રોહિત
રોહિત શર્માએ આગળ કહ્યું કે ભારતમાં વર્લ્ડ કપ રમવો અને તે દરમિયાન ટીમનું શાનદાર પ્રદર્શન હોવું, જેના કારણે કોઈને હારની આશંકા પણ ન હતી, આ બધાને લીધે ફાઇનલની હાર વધુ પીડાદાયક બની હતી.
તેમણે કહ્યું કે રમતનો નિયમ જ એવો છે કે જ્યારે તમને લાગે કે બધું બરાબર ચાલી રહ્યું છે, ત્યારે અચાનક કોઈ આંચકો તમને નીચે પાડી શકે છે. રમત આપણને આ જ શીખવે છે.
રોહિત શર્માએ જણાવ્યું કે 2023ના વર્લ્ડ કપની હારમાંથી તેમને ઘણું શીખવા મળ્યું. તેમણે કહ્યું કે જો એ હાર ન મળી હોત, તો કદાચ ભારતીય ટીમ વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીતી શકી ન હોત. એ હારે જ ટીમની અંદર જીતવા માટેની જબરદસ્ત તડપ અને ભૂખ પેદા કરી હતી.
રોહિતના મતે, સફળતા કરતાં નિષ્ફળતા ઘણી વખત વધુ શીખવે છે. તેમણે યાદ કર્યું કે જ્યારે ભારતીય ટીમ 2024ના T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા પહોંચી હતી, ત્યારે દરેક ખેલાડીમાં એક અલગ જ પ્રકારની ઊર્જા અને જીતવા માટેની બેચેની જોવા મળી હતી. તેમણે કહ્યું કે આવી ઊર્જા તેમણે અગાઉ ક્યારેય જોઈ નહોતી.
આ પણ વાંચો:દિલ્હીના પ્રદર્શન વચ્ચે રાજકીય ગરમાવો, ત્રણ દિગ્ગજ નેતાઓ અટકાયતમાં
2023ના વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી ટીમ ઇન્ડિયા
19 નવેમ્બર, 2023ની રાત ભારતીય ક્રિકેટ ચાહકો માટે ક્યારેય ન ભૂલી શકાય તેવું દુઃખ લઈને આવી હતી. તે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ટીમ ઇન્ડિયાને ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી.
પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની શાનદાર કેપ્ટનશિપ અને ટ્રેવિસ હેડની તોફાની સદી સામે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, લગભગ 11 મહિના બાદ, 29 જૂન, 2024ના રોજ ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે ભારતે 11 વર્ષથી ICC ટ્રોફી જીતવાની રાહનો અંત લાવ્યો હતો.
આ પણ વાંચો:સોનમ વાંગચુકની સરકારને ચેતવણી, કહ્યું- ફરી અનશન કે પદયાત્રા કરવાનું વિચારીશ












