ગુજરાતના 4 જિલ્લામાં આગામી 3 કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ

ગુજરાત, 07 સપ્ટેમ્બર 2025: રાજ્યમાં ફરી મેઘરાજા મહેર કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચાર જિલ્લામાં રેડ એલર્ટ, અન્યમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આગામી સમય માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કરછ, બનાસકાંઠા, પાટણ, મોરબી, વલસાડ, દમણ, અને દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી, સુરત, તાપી, અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાયના બાકીના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં વ્હાઈટ સિગ્નલ જાહેર
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ. સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાસણા બેરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે. અત્યારે વાસણા બેરેજના કુલ ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના નદી કિનારાના ગામોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા સૂચના આપી છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં ૩૦૯૦૪૮ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે ૨૦ ડેમ એલર્ટ ઉપર તથા ૧૪ ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં હાલ ૪૬,૭૯૨૦ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૩.૮૭ ટકા જેટલો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ, 24 કલાકમાં 243 તાલુકામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ












