વિરાટ કોહલી નહીં, આ ‘અનસંગ હીરો’ એ બદલી RCB ની કિસ્મત… કેપ્ટન રજત પાટીદારે ખોલ્યું રાઝ

RCB IPL 2026 Champions: RCB સતત બીજી વખત IPL ચેમ્પિયન બનતા જ ચારેય તરફ વિરાટ કોહલી, રજત પાટીદાર અને ટીમના અન્ય સ્ટાર ખેલાડીઓની ચર્ચા થઈ રહી છે. પરંતુ ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન રજત પાટીદારે એક એવા ‘અનસંગ હીરો’ નું નામ લીધું છે, જે કેમેરાની પાછળ રહીને આરસીબીની સૌથી મોટી તાકાત તૈયાર કરી રહ્યો હતો.
આ અનસંગ હીરોનું નામ છે- ઓમકાર સાલ્વી. આ સીઝનમાં આરસીબીની સફળતાનું સૌથી મોટું કારણ તેની ઘાતક બોલિંગ રહી છે. પાટીદારનું માનવું છે કે ટીમની બોલિંગ લાઈનઅપમાં આવેલા આ જબરદસ્ત બદલાવના અસલી આર્કિટેક્ટ ટીમના બોલિંગ કોચ ઓમકાર સાલ્વી છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પાટીદારે દિલ જીતી લે તેવું નિવેદન આપ્યું હતું.
મીટિંગ રૂમમાં ઓછું અને ગ્રાઉન્ડ પર વધુ દેખાય છે સાલ્વી
રજત પાટીદારે બોલિંગ કોચના વખાણ કરતા કહ્યું કે, ‘મેં ઓમકાર સાલ્વી સરને મારી પહેલી રણજી સીઝનથી જોયા છે. તે દરેક બોલર સાથે વ્યક્તિગત રીતે અલગથી સમય વિતાવે છે. તમે તેમને મીટિંગ રૂમમાં ઓછા જોશો કારણ કે તે હંમેશા ગ્રાઉન્ડ પર બોલરો સાથે સતત સખત મહેનત કરતા રહે છે. ટીમ માટે તેમણે રાત-દિવસ એક કર્યા છે.’
આ નિવેદન માત્ર કોચના વખાણ નથી, પરંતુ આરસીબીના બદલાયેલા ‘નવા કલ્ચર’ ની કહાની પણ દર્શાવે છે. નવેમ્બર 2024 માં આરસીબીએ મુંબઈ રણજી ટીમના પૂર્વ કોચ ઓમકાર સાલ્વીને પોતાના બોલિંગ કોચ બનાવ્યા હતા. મુંબઈને રણજી ટ્રોફી અને ઈરાની કપ જીતાડનાર સાલ્વીએ આરસીબીના બોલિંગ યુનિટનો ચહેરો જ બદલી નાખ્યો.
આરસીબીના બોલરોએ આખી ટૂર્નામેન્ટમાં મચાવી ધૂમ
આ સીઝનમાં આરસીબીના ફાસ્ટ બોલરોએ આખી ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો:
* ભુવનેશ્વર કુમાર: આ સીઝનમાં 28 વિકેટ ઝડપીને તે પર્પલ કેપની રેસમાં છેલ્લે સુધી ટકી રહ્યો હતો. બેટ્સમેનો માટે આસાન ગણાતી પીચો પર પણ તેની 7.95 ની ઇકોનોમી શાનદાર રહી હતી.
* જોશ હેઝલવુડ: તેણે 13 મેચમાં 15 વિકેટ પોતાના નામે કરી હતી.
* રસિક સલામ ડાર: આ યુવા ફાસ્ટ બોલર સીઝનનો સૌથી મોટો ‘ફાઇન્ડ’ સાબિત થયો છે. રસિકે માત્ર 12 મેચમાં 19 વિકેટ ઝડપી અને આઈપીએલ 2026 માં સાતમો સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો. ફાઇનલમાં પણ તેણે 3 વિકેટ લઈને ગુજરાત ટાઇટન્સની બેટિંગ લાઈનઅપની કમર તોડી નાખી હતી.
* જેકબ ડફી: ન્યુઝીલેન્ડના આ ખેલાડીએ પોતાની ડેબ્યુ આઈપીએલ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા 6 મેચમાં 9 વિકેટ મેળવી હતી.
હેડ કોચ એન્ડી ફ્લાવરના પણ કર્યા વખાણ
કેપ્ટન પાટીદારે માત્ર ઓમકાર સાલ્વી જ નહીં, પરંતુ ટીમના હેડ કોચ એન્ડી ફ્લાવરના પણ ખુલ્લા મને વખાણ કર્યા હતા. તેણે એન્ડી ફ્લાવરને પોતાની આઈપીએલ કરિયરના સૌથી બેસ્ટ કોચ ગણાવ્યા હતા. પાટીદારે જણાવ્યું કે, ‘મેં પાંચ આઈપીએલ સીઝન રમી છે અને તે સૌથી સર્વશ્રેષ્ઠ કોચ છે. સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર પ્લેઇંગ-11 ના ખેલાડીઓ પર જ ધ્યાન નથી આપતા, પરંતુ જે ખેલાડીઓ નથી રમી રહ્યા અથવા જેઓ પહેલીવાર ટીમમાં આવ્યા છે, તેમની સાથે પણ એટલો જ સમય વિતાવે છે.’
RCBના કેપ્ટને સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમની વિચારસરણી પૂરી રીતે બદલાઈ ગઈ છે અને હવે ટીમમાં દરેક ખેલાડીને એકસમાન મહત્વ આપવામાં આવે છે, જેનો પૂરો શ્રેય કોચિંગ સ્ટાફને જાય છે.
આ પણ વાંચોઃ ભારત અને ઓમાન વચ્ચે લાગૂ થયો CEPA, વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને 11 બિલિયન ડોલરથી વધુ થયો
આ પણ વાંચોઃ India-US Trade Deal: 99% ચર્ચા પૂર્ણ, અંતિમ મહોર માટે 4 જૂન સુધી ચાલશે મહત્વપૂર્ણ બેઠકો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












