ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

રાજપાલ યાદવને જેલમાં જવું પડશે, કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો, સરેન્ડર કરવાનો આદેશ

Rajpal Yadav Cheque Bounce Case: અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ચેક બાઉન્સ કેસમાં સરેન્ડર ઓર્ડરથી રાહત મેળવવા માટે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેમને ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ અરજી નામંજૂર કરતાં અગાઉના આદેશ મુજબ આજે એટલે કે 4 ફેબ્રુઆરીએ જ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, રાજપાલે અગાઉ કહ્યું હતું કે તેઓ મુંબઈમાં છે, તેથી તેમને સરેન્ડર કરવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમની પાસે વધુ સમય માંગવાનો કોઈ યોગ્ય આધાર નથી.

કોર્ટે જણાવ્યું કે રાહત આપવાનું કોઈ કારણ નથી. સુનાવણી દરમિયાન, રાજપાલ યાદવના વકીલે જણાવ્યું કે જો તેમને એક અઠવાડિયાનો સમય આપવામાં આવે તો તેઓ પૈસા ચૂકવી દેશે. તેમણે એમ પણ કહ્યું કે રાજપાલે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે. તેમણે પુરાવા આપ્યા હતા અને આવતીકાલે (5 ફેબ્રુઆરી) પૈસા લઈને આવશે. જોકે, રાજપાલને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો.

હવે અભિનેતા રાજપાલ યાદવ પાસે જેલ પ્રશાસન સમક્ષ આત્મસમર્પણ (સરેન્ડર) કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેની ઉપર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણી દરમિયાન પણ કોર્ટે રાજપાલ યાદવને કડક ફટકાર લગાવી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજપાલનું વર્તન બિલકુલ યોગ્ય નથી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજપાલ યાદવે અનેક વખત કોર્ટને આપેલા વચનો તોડ્યા છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે આપેલી સજા તેમને પૂરી કરવી જ પડશે. હાઈકોર્ટના તાજેતરના આદેશ બાદ હવે રાજપાલ યાદવ માટે કાનૂની રીતે કોઈ રાહત બાકી રહી નથી.

5 કરોડ રૂપિયાનો મામલો

આ સમગ્ર મામલો અંદાજે 5 કરોડ રૂપિયાનો છે. ફરિયાદી મુરલી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડનો આરોપ છે કે તેમણે 2010માં રાજપાલ યાદવની કંપનીને એક ફિલ્મ પૂર્ણ કરવા માટે 5 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. બન્ને પક્ષો વચ્ચે કરાર થયો હતો કે રાજપાલ યાદવ વ્યાજ સહિત 8 કરોડ રૂપિયા પરત કરશે, પરંતુ રાજપાલે ક્યારેય પૈસા પાછા આપ્યા નહીં. પૈસા પરત કરવા માટે રાજપાલ યાદવ દ્વારા અનેક વખત ચેક આપવામાં આવ્યા હતા, પરંતુ તે તમામ ચેક બાઉન્સ થઈ ગયા.

રાજપાલ યાદવ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમણે કોઈ ઉધાર લીધું નહોતું, પરંતુ મુરલી પ્રોજેક્ટ દ્વારા ફિલ્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, અદાલતે તેમની આ દલીલ સ્વીકારી નહોતી અને તેમને ચેક બાઉન્સ કેસમાં દોષી ઠેરવ્યા હતા.

ટ્રાયલ કોર્ટે આ કેસમાં રાજપાલને 6 મહિનાની સજા સંભળાવી હતી. આ સજા સામે રાજપાલ યાદવે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટે વર્ષ 2024માં તેમની સજાને અસ્થાયી રૂપે સ્થગિત કરી હતી. તે સમયે કોર્ટે જણાવ્યું હતું કે રાજપાલ કોઈ મોટા ગુનેગાર નથી અને તેમણે ફરિયાદી કંપની સાથે સમજૂતી કરવાની તૈયારી દર્શાવી હતી. આ આધારે તેમને રાહત આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ રાજપાલે અનેક વખત રકમ પરત આપવા માટે સમય માગ્યો, છતાં અત્યાર સુધી ફરિયાદી કંપનીને પૈસા પરત આપવામાં આવ્યા નથી. આ કારણે હવે કોર્ટનુ વલણ કડક બન્યું છે અને અગાઉ આપવામાં આવેલી રાહત પણ પાછી ખેંચાઈ ગઈ છે.

આ પણ વાંચો: 23 વર્ષ બાદ સાથે કામ કરશે સૈફ અને શાહરૂખ, નેટફ્લિક્સ પર આવશે મોટી ફિલ્મ

Back to top button