Rajkot: પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી પડી ભારે, ડીલર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Rajkot News: રાજકોટ શહેરમાં ઈંધણની અછતને લઈ સર્જાયેલી અફરાતફરીના મામલે વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવા અને પાયાવિહોણું નિવેદન આપી જાહેર શાંતિ ડહોળવા બદલ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.
IOCL ના સેલ્સ હેડ દ્વારા નોંધાવાઈ ફરિયાદ
આ મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) રાજકોટના સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ગોપાલ ચુડાસમાએ જવાબદાર પદ પર હોવા છતાં જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો પૂરો થઈ ગયો છે. આ ખોટા નિવેદનને કારણે નાગરિકોમાં ભારે ‘પેનિક’ સર્જાયું હતું. પરિણામે શહેરના પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી, જેનાથી ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હતી.
તંત્રની ખાતરી છતાં ફેલાવાઈ અફવા
IOCL ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે જ્યારે ડીલરો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે કંપની તરફથી લેખિત અને મૌખિક બંને રીતે ખાતરી આપવામાં આવી હતી કે તેમની પાસે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ ઘટાડો નથી. તેમ છતાં, ગોપાલ ચુડાસમાએ જાણીજોઈને ખોટું નિવેદન આપી જનતાને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વહીવટી તંત્રનું કડક વલણ
આ ઘટનાને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે. તંત્રનું માનવું છે કે જ્યારે કોઈ જવાબદાર વ્યક્તિ અફવા ફેલાવીને અરાજકતા ઊભી કરે છે, ત્યારે તેની ગંભીર અસર સમાજ પર પડે છે. ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તે હેતુથી આ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જ્યારે બીજી તરફ તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને ઈંધણનો પૂરતો જથ્થો હોવાની ખાતરી આપી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Ahmedabad: ન્યૂ ક્લોથ માર્કેટની 10 દુકાનોમાં લાગી આગ, 4 લોકોનું દિલધડક રેસ્ક્યુ











