ગુજરાતટોપ ન્યૂઝ

VIDEO: રાજકોટમાં સગીર કારચાલકનો આતંક: વૃદ્ધને ઉડાવ્યા બાદ બે વાહનોને ટક્કર, કાર બોર્ડ સાથે અથડાઈ

Rajkot Minor Driver Accident: રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં શનિવારે સવારે એક ગંભીર અને ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. આમ્રપાલી અંડરબ્રિજ નજીક પૂરપાટ ઝડપે દોડતી વર્ના કારના ચાલકે કાબૂ ગુમાવતા મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધ રસ્તા પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. ત્યારબાદ કાર અન્ય બે વાહનોને અડફેટે લેતી આગળ વધી અને અંતે એક સોસાયટીના બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈને અટકી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારમાં પાંચ સગીરો સવાર હતા અને વાહન પણ એક સગીર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ તમામ યુવકો કાર મૂકીને સ્થળ પરથી નીકળી ગયા હતા. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની બેફામ ગતિ અને અકસ્માતનો સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

સ્પીડબ્રેકર પર કાર હવામાં ઉછળી

મળતી માહિતી મુજબ, કાર આમ્રપાલી અંડરબ્રિજમાંથી બહાર નીકળ્યા બાદ અત્યંત ઝડપે સ્પીડબ્રેકર તરફ આવી રહી હતી. વધુ ગતિ હોવાને કારણે કાર સ્પીડબ્રેકર પર 4થી 5 ફૂટ જેટલી હવામાં ઉછળી ગઈ હતી. જમીન પર ઉતરતા જ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને આગળ જઈ રહેલા મોપેડચાલકને ટક્કર મારી હતી.

વૃદ્ધને માથામાં ગંભીર ઈજા

અકસ્માતમાં ઘાયલ થયેલા વૃદ્ધની ઓળખ રેલવે કર્મચારી રમેશકુમાર તરીકે થઈ છે. તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

ભાગવાના પ્રયાસમાં વધુ બે વાહનોને અડફેટે લીધા

મોપેડચાલકને ટક્કર માર્યા બાદ કારચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન રસ્તામાં આવેલા બે અન્ય વાહનોને પણ ટક્કર વાગી હતી. સદનસીબે આ અકસ્માતોમાં ગંભીર જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

200 મીટર આગળ બોર્ડ સાથે અથડાઈ કાર

અકસ્માત બાદ બેકાબૂ બનેલી કાર લગભગ 200 મીટર સુધી દોડી હતી. એક શેરીમાં વળાંક લેતી વખતે કાર રસ્તાની બાજુમાં આવેલા મોટા બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ ખુલી ગઈ હતી અને વાહન ત્યાં જ અટકી ગયું હતું.

CCTVમાં કેદ થયો સમગ્ર બનાવ

ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી. ફૂટેજમાં કાર સ્પીડબ્રેકર પરથી હવામાં ઉછળતી અને ત્યારબાદ મોપેડચાલકને ટક્કર મારતી નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યોગ કાર્યક્રમથી પરત ફરી રહ્યા હતા સગીરો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં બેઠેલા પાંચેય સગીરો સવારે યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. યોગ પૂર્ણ થયા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સગીરના વાલીઓને બોલાવી નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

પરિવારજનોએ ભૂલ સ્વીકારી

સગીરના ભાઈ અને વ્યવસાયે એડવોકેટ કુમાર લુણાગરિયાએ જણાવ્યું હતું કે રસ્તામાં અચાનક આવેલા બમ્પર પાસે બ્રેક યોગ્ય રીતે ન લાગતા અકસ્માત સર્જાયો હતો. તેમણે સ્વીકાર્યું કે સગીરને વાહન ચલાવવા દેવું પરિવારની ભૂલ હતી અને વાલીઓએ પોતાના બાળકોને લાયસન્સ મેળવ્યા પહેલાં વાહન ચલાવવા ન દેવું જોઈએ.

વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના

આ અકસ્માતે ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે સગીર વયના બાળકોના હાથમાં કાર અને બાઈક જેવી વાહનો આપવી કેટલી જોખમી બની શકે છે. એક ક્ષણની બેદરકારી કોઈ નિર્દોષ વ્યક્તિના જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: NEET પરીક્ષા ફરી યોજાઈ, સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓની એન્ટ્રી; અમદાવાદમાં હિજાબ મુદ્દે વિવાદ

Back to top button