કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

Rajkot: આડાસંબંધથી કંટાળી પતિએ પત્નીને મારી હતી ગોળી, પત્નીનું સારવાર દરમિયાન મોત

રાજકોટ, તા. 17 નવેમ્બર, 2025: રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ એક ગમખ્વાર ઘટના બની હતી, જેમાં પત્નીના આડાસંબંધથી કંટાળેલા પતિએ પોતાની પત્નીને ગોળી મારી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી પત્નીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

શું હતી ઘટના?

રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો. પત્નીને તેના ભત્રીજા સાથે પ્રેમ સંબંધ હતો, જેની જાણ પતિને થતાં બંને વચ્ચે ખૂબ વિવાદ થયો હતો. આ તકરારને કારણે પત્ની દોઢ મહિના પહેલાં પતિ અને 20 વર્ષના દીકરાનું ઘર છોડીને સામેની બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. પતિ સતત દોઢ મહિનાથી પત્નીને સમજાવતો હતો અને બધું ભૂલીને પાછી ઘરે આવવા વિનંતી કરતો હતો, પરંતુ પત્ની તૈયાર નહોતી.

ગોળીબાર અને આપઘાત

15 નવેમ્બરની સવારે, પતિ ફરી એકવાર પત્નીને મનાવવા માટે તેના ઘરની સામેની બિલ્ડિંગમાં ગયો હતો. આ સમયે પત્ની જીમમાંથી પાછી આવી રહી હતી. બિલ્ડિંગના પરિસરમાં જ બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ગુસ્સામાં આવીને પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર કાઢીને પહેલાં પત્નીને ગોળી મારી દીધી અને પછી પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પત્ની ગંભીર હાલતમાં ઢળી પડી હતી

ઘટના સમયે હાજર પત્નીની બહેનપણીએ 108 ને જાણ કરીને તેને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડી હતી. બે દિવસની સારવાર બાદ આજે પત્નીનું પણ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગાંધીગ્રામ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હવે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસને ઘટનાસ્થળેથી રિવોલ્વરના ત્રણ કાર્ટીસ પણ મળી આવ્યા હતા.

Back to top button