રાજકોટ: માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપીએ પોલીસ પર હુમલો કર્યો, ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગી

રાજકોટ, 11 ડિસેમ્બર 2025: રાજકોટના જસદણના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચ જઈ ત્રણ સંતાનના પિતાએ પીંખી નાખી હતી. એટલું જ નહીં દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી લોહીલુહાણ કરી નાખી હતી. નરાધમે આવી જ હાલતમાં બાળકીને ત્યાં મૂકીને ભાગી ગયો હતો, જો કે પોલીસે ગણતરીની કલાકોમાં તેને દબોચી લીધો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે.
રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી હતી. પૂછપરછમાં રામસિંગે જણાવ્યું હતું કે, તેણે ગુનો આચરતી વખતે જે લોખંડનો સળીયાનો ઉપયોગ કર્યો હતો તે ખેતરમાં ફેંકી દીધો હતો. આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના રોજ પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખીને આરોપી રામસિંગને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ખેતરમાં આરોપી ભાગીયા તરીકે ખેતી કામ કરતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસ પર ધારિયાથી હુમલો કર્યો
ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન રામસિંગે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળીયાને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. રામસિંગ અંધારાનો લાભ લઈને ફારર ન થાય તે માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આરોપી પર ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગી
પોલીસ ફાયરિંગમાં આરોપી રામસિંગને બંને પગે ઈજા પહોંચી હતી. પોલીસ કર્મચારીને પણ ઈજા થવાથી બંનેને તાત્કાલિક આટકોટની કે.ડી.પી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા આરોપી રામસિંગ વિરૂદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવાનો વધુ એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને પગલે કે.ડી.પી હોસ્પિટલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:












