રાજસ્થાન: સરકારે માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ કર્યું, CM ભજનલાલ શર્માએ વિધાનસભામાં કરી જાહેરાત

જયપુર, 27 ફેબ્રુઆરી 2026: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં શહેરો, નગરો અને સ્થળોના નામ બદલવાની સીઝન ચાલી રહી છે. અલગ-અલગ રાજ્યોની સરકારો ઐતિહાસિક, સાંસ્કૃતિક કે ધાર્મિક કારણોસર પ્રાચીન નામો પુનઃસ્થાપિત કરવાની હોડમાં લાગી ગઈ છે. અલીગઢથી ફૈજાબાદ, અલ્હાબાદથી પ્રયાગરાજ, અને હવે રાજસ્થાનમાં પણ આ ટ્રેન્ડ ચાલુ થયો છે. મંત્રીઓ અને ધારાસભ્યો આવા નિર્ણયો દ્વારા પોતાની ‘સાંસ્કૃતિક ઓળખ’ અને ‘રાષ્ટ્રીય ગૌરવ’ની વાતો કરીને રાજકીય પોઈન્ટ સ્કોર કરવાની કોશિશ કરે છે. આવા નામ બદલવાના નિર્ણયોમાં ઘણી વખત સ્થાનિક પ્રવાસન, વેપાર અને સ્થાનિક લોકોની અસર પર ચર્ચા થાય છે, પરંતુ સરકારો તેને ‘સાંસ્કૃતિક પુનરુત્થાન’ તરીકે રજૂ કરે છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. રાજ્યના ત્રણ લોકપ્રિય શહેરો-નગરોના નામ બદલવામાં આવ્યા છે.
- માઉન્ટ આબુનું નામ હવે આબુ રાજ થશે.
- કામનનું નામ કામવન થયું છે.
- જહાઝપુરનું નામ યજ્ઞપુર થયું છે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન આ જાહેરાત કરી. આ નામ બદલવાની જાહેરાત અન્ય કેટલીક કલ્યાણકારી યોજનાઓ સાથે કરવામાં આવી છે, જેમાં 1.25 લાખ સરકારી નોકરીઓની જાહેરાત, ધારાસભ્યો માટે પગાર વધારો, મોબાઈલ-ટેબ્લેટ વિતરણ યોજના, ઘર યોજના, પત્રકારો માટે પેન્શન વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ નિર્ણયને સાંસ્કૃતિક વારસાને પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો છે.
આ પહેલાં માઉન્ટ આબુને આબુ રાજ તીર્થ અથવા આબુરાજ તરીકે નામ બદલવાની માંગ લાંબા સમયથી ચાલતી હતી. સ્થાનિક ધારાસભ્યો, રાજપૂત સમાજ અને અન્ય સંગઠનોએ સ્કંદ પુરાણમાં વર્ણિત પ્રાચીન નામને પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે ‘માઉન્ટ આબુ’ નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું છે અને તે પહેલાં આ સ્થળ આબુ રાજ તરીકે જાણીતું હતું. 2024-25માં આ મુદ્દે વિરોધ પણ થયા હતા. ખાસ કરીને હોટેલ વ્યવસાયીઓ અને પ્રવાસન સંગઠનોએ નામ બદલવા અને દારૂ-માંસ પર પ્રતિબંધની માંગનો વિરોધ કર્યો હતો, કારણ કે તેનાથી પ્રવાસનને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો: સોનભદ્રમાં વીજળી વિભાગની મોટી લાપરવાહીના કારણે લાઇનમેન જીવતો જ સળગી ગયો, દર્દનાક મોત












