દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી વરસાદ-વીજળીનો કહેર: 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત

HD ન્યુઝ ડેસ્ક, 1, એપ્રિલ 2025: દેશમાં વરસાદ પછી તાપમાનમાં ફરી વધારો જોવા મળી શકે છે. આગામી થોડા દિવસોમાં આકાશમાંથી અગનગોળા વરસશે અને તીવ્ર ગરમીને કારણે લોકો દયનીય સ્થિતિમાં મુકાશે. રાહતની વાત એ છે કે, કેટલાક રાજ્યોમાં તેજ પવન ફૂંકાશે અને વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, યુપી અને બિહાર સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે.
ખરાબ હવામાન અને રનવે બંધ થવાને કારણે શનિવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર સતત બીજા દિવસે 400 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વધુ ગંભીર એલર્ટ જારી કર્યા છે. IMD અનુસાર, આગામી થોડા દિવસો સુધી દિલ્હી-NCR, UP, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેશે. 15 એપ્રિલે ઝારખંડમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. શુક્રવારે સાંજે ભારે પવન સાથે વરસાદને કારણે ફ્લાઇટ્સને ભારે અસર થઈ હતી. મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. વિલંબનો આ ક્રમ શનિવારે પણ ચાલુ રહ્યો હતો.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ પણ આ અંગે માહિતી આપી હતી કે, ખરાબ હવામાનના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ઉડાનમાં વિલંબ થયો હતો. 234 ફ્લાઇટ્સનું પ્રસ્થાન મોડું પડ્યું હતું અને 175 ફ્લાઇટ્સનું આગમન મોડું પડ્યું હતું. મોટાભાગની ફ્લાઇટ્સનો સરેરાશ પ્રસ્થાન સમય 40 મિનિટથી વધુ હતો.
આ પણ વાંચો..ધો.12 સાયન્સ અને ગુજકેટના પરિણામ અંગે બોગસ પત્ર વાયરલ થયો, બોર્ડે કર્યો ખુલાસો












