ટ્રેન્ડિંગનેશનલ

‘ગુંડા મોકલી 15 વર્ષની બાળકી પાસે માફી મંગાવી…’: દિલ્હીમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા રાહુલ ગાંધી

Rahul Gandhi: જંતર-મંતર પર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર તેમની સાથે અલગ-અલગ રાજ્યોના 5 પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ નેતાએ સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, “પોતાના હકની માંગ કરી રહેલા યુવાનોને માર મારવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યા અને તેમના ઘર સુધી ગુંડાઓ મોકલવામાં આવ્યા. એટલું જ નહીં, 15 વર્ષની એક સગીર બાળકી પર દબાણ બનાવીને બળજબરીથી માફી પણ મંગાવવામાં આવી.” તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી આવી બર્બરતા ચલાવી લેશે નહીં.

’30 નિર્દોષ વિદ્યાર્થીઓને બચાવ્યા, મારી સામે ખોટો નેરેટિવ ફેલાવાયો’: રિયા અહીર

પ્રેસ કોન્ફરન્સમાં હાજર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પણ પોતાની આપવીતી રજૂ કરી હતી. પ્રદર્શનકારી રિયા અહીરે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી અફવાઓનો વિરોધ કરતા કહ્યું કે, “હું મુંબઈ પોલીસને રોકનારી છોકરી નથી, પરંતુ ૩૦ નિર્દોષ વિદ્યાર્થીઓને ગેરકાયદેસર કસ્ટડીમાંથી બચાવનારી વિદ્યાર્થિની છું.”

રિયાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, તેમણે ૨૭ જુલાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ઓગસ્ટ સુધી તેમને એફઆઈઆર (FIR) ની કોપી મળી નથી. સોશિયલ મીડિયા પર તેમના વિશે અત્યંત અશ્લીલ વાતો લખીને માનસિક ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો કે શું ન્યાય માત્ર બંધારણીય પદો પર બેઠેલા લોકો માટે જ છે કે બંધારણના અનુચ્છેદ ૧૪ હેઠળ તમામ નાગરિકો માટે સમાન છે?

પેલેટ ગન અને લાઠીચાર્જના ગંભીર આક્ષેપો

ઝારખંડથી આવેલી નૂતન તોપૂએ દાવો કર્યો હતો કે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન પોલીસે પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો અને તેમને પણ પેલેટ વાગી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે પણ અન્યાય થશે ત્યારે વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવતા રહેશે.

અન્ય પ્રદર્શનકારી વિદ્યાર્થિની મુસ્કાને જણાવ્યું કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ તેમના પર પોલીસ અને આર્મ્ડ ફોર્સિસ (RAF) દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. જ્યારે ફરહાના નામના પ્રદર્શનકારીએ તે દિવસને પોતાની જિંદગીનો ‘બ્લેક ડે’ ગણાવ્યો હતો.

ક્ષતિગ્રસ્ત શિક્ષણ પ્રણાલી સામે અવાજ ઉઠાવવો ગુનો નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની કથળેલી શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓ પર સવાલ ઉઠાવવો એ કોઈ ગુનો નથી. અહિંસક અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાનો દેશનું ભવિષ્ય છે અને બંધારણની રક્ષા માટે રસ્તા પર ઉતર્યા છે. ડરાવવા કે દબાવવાને બદલે સરકારે પ્રદર્શનકારીઓ સાથે બેસીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવી જોઈએ.

આ પણ વાંચોઃ AMCAને ટૂંક સમયમાં મળશે મંજૂરી! CCSની બેઠકમાં DRDO-Safran એન્જિન ડીલને મળી શકે છે મંજૂરી

આ પણ વાંચોઃ ફૂટબોલની હરીફાઈ રાજદ્વારી ટક્કરમાં ફેરવાઈ! બ્રાઝિલ-આર્જેન્ટિના વચ્ચે શાબ્દિક ટકરાવ, રાજદૂત પાછા બોલાવાયા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button