ભુજમાં રાષ્ટ્રીય મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં પંજાબ ચેમ્પિયન, ગુજરાત બન્યું રનર અપ

- ગુજરાતમાં પ્રથમ આયોજન, ૨૭ રાજ્યોની ટીમોએ ભાગ લીધો
ભુજ, 04 જુલાઇ 2025: Kachchh Sports છેલ્લા છ દિવસથી કચ્છના રમતરસિયાઓને ઘેલું લગાડનાર 54મી રાષ્ટ્રીય હેન્ડબોલ સિનિયર મહિલા સ્પર્ધાની ફાઈનલમાં ગુજરાતને સજ્જડ પછડાટ આપી પંજાબએ ડંકો વગાડી દીધો હતો. દિલ્હી અને હરિયાણા સમાન રીતે ત્રીજા ક્રમાંકે રહ્યા હતા. સાંસદના હસ્તે મેડલ – ટ્રોફી એનાયત કરાયા હતા.
બન્ને ટીમોની ૧૪ નંબરની જર્સી છવાઇ
રસપ્રદ ફાઈનલમાં જંગ જામ્યો હતો. એકબીજાને ટક્કર મારતા દાવ ગુજરાત અને પંજાબે લગાવ્યા હતાં. બન્ને ટીમોની ૧૪ નંબરની જર્સી ઉત્કૃષ્ટ લડતથી છવાઈ હતી. સમગ્ર આયોજન અને વિજેતા પંજાબને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત તેવી આ મોટી સ્પર્ધામાં સહયોગી જિલ્લા તંત્રનો આભાર મનાયો હતો.

હવે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકની તૈયારી
ભુજમાં જેનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું તે રાષ્ટ્રકક્ષાની સિનિયર મહિલા હેન્ડનોલ સ્પર્ધાનું ટાઈટલ ગુરુવારે સવારે પંજાબે જીતી લેતાં ગુજરાતનું સપનું ફોળાયું હતું. આ પ્રસંગે બોલતાં યુવા સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં રમતગમતની શ્રેષ્ઠતા માટેના પ્રોત્સાહનથી ખેલાડીઓમાં જોમ-જુસ્સો વધ્યો છે તેમ કહ્યું હતું. રમે ગુજરાતનો સંકલ્પ આપનાર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકની તૈયારી કરી રહ્યું છે. ચાવડાએ ૨૭ રાજ્યોની ટીમોને ભાગ લેવા અને ગુજરાત-કચ્છનું આતિથ્ય સ્વીકારવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો:સફેદ રણના પ્રવાસનમાં શિરમોર ધોરડો બન્યું સોલાર વિલેજ: વાંચો વડાપ્રધાને કેમ ગ્રામજનોને યાદ કર્યા
ખેલાડીઓનું સન્માન કરાયું
આયોજક હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ એસોશિયેશન ગુજરાત અને કચ્છના એસોશિયેશન સાથે લેવા પટેલ સમાજે ખેલાડીઓનને કચ્છ દર્શન કરાવ્યા બદલ શાબાશી આપી હતી. સાંસદના હસ્તે વિજેતા પંજાબ, ઉપવિજેતા ગુજરાતના તમામ મહિલા ખેલાડી, કોચ, મેનેજર,આયોજકો, સહયોગી સૌને ક્રમશ: મેડલ, ટ્રોફી, શાલ, મોમેન્ટોથી વિશેષ સન્માન કર્યું હતું.
આયોજનને બિરદાવાયું
પ્રતિભાવ આપતાં જુદા જુદા રાજ્યની રમતવીર કન્યાઓએ આટલા ઉચ્ચ આયોજન બદલ ગુજરાતનો આભાર માન્યો હતો. આ પ્રસંગે આયોજનના પાયાની સંસ્થા તરીકે માતૃશ્રી આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય, લેઉવા પટેલ કુમાર વિદ્યાધામના અનુક્રમે વસંત પટેલ, રામજી સેંઘાણી અને મનીષ પટેલને પ્રતિક અર્પણ કર્યું હતું. સ્પર્ધાના એમ્પાયર, કોચ, ગ્રાઉન્ડમેન, જીવંત પ્રસારક પવિત્રા લાઈવની નોંધ લેવાઈ હતી.
નારી શક્તિનો ઉત્સવ : ભીની આંખે વિદાય
છ દિવસીય સ્પર્ધામાં રાષ્ટ્ર અને ગુજરાતની નારીશક્તિ છવાઈ હતી. આયોજક સંસ્થાના ટ્રસ્ટી હંસાબેન હરસિયાણી, કસ્તુરબેન ગોરસિયા, મનીષાબેન પટેલ, અર્પિતાબેન વેકરીયા, લીલાબેન વેકરીયા, દક્ષાબેન પિંડોરિયા, સંગીતાબેન હિરાણી, પુષ્પાબેન મેપાણી, કસ્તુરબેન હિરાણીએ સમાજની બહેનો સાથે રહી ૨૭ રાજ્યોની દીકરીઓને વિવિધ રીતે પ્રોત્સાહન આપી વિદાય સમયે આંખ ભીની થાય તેવો આદર-સન્માન કર્યો હતો. તો મનદીપ કૌર, મહિલા પટેલ સહીત વિવિધ રાજ્યની તેજસ્વી મહિલા ખેલાડીઓએ નારી શક્તિના ઉત્સવના રૂપમાં કૌતવ બતાવ્યું હતું. સમગ્ર આયોજનના માર્ગદર્શક કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા સાથે ત્રણેય પાંખના સર્વે ટ્રસ્ટીઓએ મજબુત સંકલન કર્યું હતું. સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, નાનજીભાઈ પિંડોરિયાએ સાંસદ સહિતના મહેમાનોનું વિશેષ સન્માન સમાજ વતી કર્યું હતું. આગામી સમયમાં સમાજ દ્વારા ટપકેશ્વરી રસ્તે હસુભાઈના સંકુલમાં વિવિધ મેદાનો સર્જવા સંકલ્પ કરાયો હતો.
આ પણ વાંચો:ગજબ! તાલિબાન સરકારને રશિયાની માન્યતા, અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતને ટેકો આપનાર પ્રથમ દેશ












