‘ગોપનીયતા વિના માનવીય ગરિમાનું કોઈ મહત્ત્વ નથી’, જાણો CJIએ કેમ કર્યો આવો પ્રશ્ન

નવી દિલ્હીઃ 4 સપ્ટેમ્બર, 2025: Supreme Court: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બી. આર ગવઈએ કહ્યું કે, ગોપનીયતા વિના માનવીય ગરિમાનું કોઈ અસ્તિત્વ નથી. જસ્ટિસ ગવઈએ બુધવારે (3 સપ્ટેમ્બર) કહ્યું હતું કે, ‘માનવીય ગૌરવનો સાચો અર્થ વ્યક્તિની ગોપનીયતા, પોતાના શરીર પર સ્વાધીનતા અને જીવનના વિવિધ તબક્કે નિર્ણય લેવાની સ્વતંત્રતામાં રહેલો છે. ન્યાયતંત્રે હંમેશા માનવ ગૌરવને બંધારણના આત્મા તરીકે મહત્ત્વ આપ્યું છે અને તેને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે.’
‘માનવ ગૌરવ એ બંધારણનો આત્મા’
નવી દિલ્હીમાં આયોજિત “માનવ ગૌરવ એ બંધારણનો આત્મા: 21મી સદીમાં ન્યાયિક પ્રતિબિંબ” વિષય પર 11મા ડૉ. એલ. એમ. સિંઘવી મેમોરિયલ લેક્ચરમાં બોલતા, સીજેઆઈ ગવઈએ નિર્દેશ કર્યો કે, બંધારણ માનવ ગૌરવને સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના મૂળ તરીકે માન્યતા આપે છે. કે.એસ. પુટ્ટાસ્વામી VS યુનિયન ઑફ ઈન્ડિયા (જેને આધાર ચુકાદો પણ કહેવાય છે અને નવ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે)ના કેસમાં આપેલા ચુકાદાને ટાંકીને તેમણે કહ્યું કે, ‘ગોપનીયતા વિના ગરિમાનું એસ્તિત્વ ન હોય શકે. બંને જીવન, સ્વતંત્રતા અને સ્વાધીનતાના અવિભાજ્ય મૂલ્યોનું મૂળ ધરાવે છે, જેને બંધારણ દ્વારા માન્યતા આપવામાં આવી છે.’
માનવ ગૌરવ એક વ્યાપક સિદ્ધાંત
તેમણે કહ્યું કે, માનવીય ગૌરવ એ એક વ્યાપક સિદ્ધાંત છે જે બંધારણની ભાવના અને ફિલસૂફીનો આધાર છે અને બંધારણના આમુખમાં વ્યક્ત કરાયેલા મુખ્ય મૂલ્યો, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયને આકાર આપે છે. CJI એ ભાર મૂક્યો હતો કે, પ્રજનન સંબંધિત, તબીબી સારવાર અને જીવનના અંતના નિર્ણયોમાં પણ ગૌરવ માનવ સાર્વભૌમત્વનો આધાર છે.
સુચિતા શ્રીવાસ્તવ VS ચંડીગઢ વહીવટ (2009) અને કોમન કોઝ VS યુનિયન ઑફ ઈન્ડિયા (2018) કેસનો ઉલ્લેખ કરતા, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સાર્વભૌમત્વને ગરિમાથી અલગ કરી શકાતું નથી. ‘જો કોઈ વ્યક્તિને તેના શરીર, કાર્યો અથવા જીવન પરિસ્થિતિઓ વિશે પસંદગી કરવાની ક્ષમતાથી વંચિત રાખવામાં આવે છે, તો તે વ્યક્તિ ખરેખર ગૌરવ સાથે જીવી શકતી નથી.’
આ પણ વાંચોઃ Women’s World Cup 2025 : વર્લ્ડ કપની ટિકિટ કોફી કરતા પણ સસ્તી, કિંમત જાણીને ચોંકી જશો
આ પણ વાંચોઃ એશિયા કપ હોકી 2025 : ભારતીય ટીમનું જોરદાર પ્રદર્શન ચાલુ… સુપર-4 મેચમાં મલેશિયાને હરાવ્યું












