પાકિસ્તાની નાગરિકને પાછા મોકલવાની ચાલતી હતી તૈયારી, અમૃતસરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું

અમૃતસર, 01 મે 2025: ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર કેટલાય પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી પાછા તેમના દેશ મોકલવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન જવા માટે અમૃતસરમાં રાહ જોઈ રહેલા 69 વર્ષિય પાકિસ્તાની નાગરિકનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે. જાણકારી અનુસાર મૃતકની ઓળખ જમ્મુ કાશ્મીરમાં કેટલાય વર્ષોથી રહેતા અબ્દુલ વાહિદ તરીકે થઈ છે. તેમાં પાસેથી જમ્મુ કાશ્મીર પોલીસને એક્સપાયર વિઝા મળ્યા હતા. નોટિસ દરમ્યાન વાહિદે જણાવ્યું હતું કે, તે છેલ્લા 17 વર્ષથી ભારતમાં રહેતા હતા.
અટારી બોર્ડર પર હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલ 224 ભારતીય નાગરિકો જેમની પાસે ભારત પાછા ફરવાની કોઈ જવાબદારી ન હતી, તેઓ અટારી બોર્ડર દ્વારા ભારતમાં પ્રવેશ્યા છે, જ્યારે 139 નાગરિકોને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે.
અટારી સરહદ પર, પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતી એક હિન્દુ મહિલા, મોનિકા રજની, પણ તેની પાંચ વર્ષની પુત્રી સાથે ભારત પાછી ફરી. મીડિયા સાથે વાત કરતાં મોનિકાએ કહ્યું, “મારી પાસે NORI અને લાંબા ગાળાના વિઝા છે. હું પાકિસ્તાનથી વહેલી ભારત આવી હતી કારણ કે મને ડર હતો કે સરહદ ગમે ત્યારે બંધ થઈ શકે છે. હું એક હિન્દુ છું અને મારા લગ્ન લગભગ નવ વર્ષ પહેલાં વિજયવાડાના એક હિન્દુ પરિવારમાં થયા હતા. મારા પતિ અને મારા સાસરિયાઓ અહીં મારી રાહ જોઈ રહ્યા છે.”
રજનીએ કહ્યું, “હું બપોરે ૩ વાગ્યે ભારત પહોંચી. કસ્ટમ્સ અને ઇમિગ્રેશન ક્લિયરન્સમાં લગભગ ત્રણ કલાક લાગ્યા. મારી દીકરીને આ ગરમીમાં ઘણું સહન કરવું પડ્યું. પણ હવે ઠીક છે કે અમે ભારત આવી ગયા છીએ. હવે હું વિજયવાડા પાછા ફરતા પહેલા મારા પરિવાર સાથે સુવર્ણ મંદિરના દર્શન કરવા જઈશ.”
અહીં ઉલ્લેખનિય છે કે, પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ મોટા પગલાં લીધા છે. સરકારે ટૂંકા ગાળાના વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પણ તેમના દેશમાં પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને કારણે, ઘણા પરિવારો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દેશભરમાંથી પાકિસ્તાની નાગરિકોને એકત્રિત કરીને અમૃતસર લાવવામાં આવી રહ્યા છે, જ્યાંથી તેમને બીજી બાજુ પાકિસ્તાની અધિકારીઓને સોંપવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે, ઘણા ભારતીયો પણ પાકિસ્તાનથી પોતાના વતન પાછા ફરી રહ્યા છે.
આ પણ વાંચો: સીમા હૈદરની દીકરીને મળી ભારતની નાગરિકતા, ઉત્તર પ્રદેશ સરકારે બર્થ સર્ટિફિકેટ આપ્યું












