પૂનમ પાંડે હવે રામાયણમાં નહીં કરે કામ, વિવાદ બાદ લવકુશ રામલીલા સમિતિએ લીધો નિર્ણય

મહારાષ્ટ્રઃ 23 સપ્ટેમ્બર, 2025: Poonam Pandey: એક્ટ્રેસ પૂનમ પાંડેને દિલ્હીની લવકુશ રામલીલામાંથી હટાવી દેવામાં આવી છે. લવકુશ રામલીલા સમિતિએ આ વર્ષે રામલીલામાં મંદોદરીનું પાત્ર ભજવવા માટે પૂનમ પાંડેને હટાવવાનો નિર્ણય સમાજના વિવિધ વર્ગો અને સંગઠનોના વિરોધ બાદ લીધો છે. વિશ્વ હિન્દુ પરિષદે (VHP) સમિતિના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
સામાજિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો
લવકુશ રામલીલા સમિતિના અધ્યક્ષ અર્જુન કુમાર અને મહાસચિવ સુભાષ ગોયલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પૂનમ પાંડેને મંદોદરીના પાત્ર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે સ્વીકાર પણ કર્યો હતો, પરંતુ આ જાહેરાત બાદ ઘણા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનો તર્ક હતો કે, પવિત્ર પાત્ર માટે કલાકારની પસંદગી કરતી વખતે ધાર્મિક ભાવનાઓ અને મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. સમિતિએ કહ્યું કે, ‘આ નિર્ણય કોઈ વ્યક્તિગત કારણસર નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.’
વિશ્વ હિન્દુ પરિષદે નિર્ણયનું સ્વાગત કર્યું
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ સમિતિના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. VHPએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, ‘લવકુશ રામલીલા સમિતિએ સમાજ અને પૂજનીય સંતોની ભાવનાઓનું સન્માન કર્યું છે. ધર્મ હંમેશા મર્યાદાનું રક્ષણ કરે છે અને અશ્લીલતા મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તેથી મર્યાદાના મંચ પર અશ્લીલતાને સ્થાન આપવું યોગ્ય નથી.’
આ વર્ષે રામલીલામાં કયા કલાકારો હશે?
આ વર્ષે લવકુશ રામલીલા 22 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી યોજાશે. જેમાં રાવણનું પાત્ર બોલિવૂડ એક્ટર આર્ય બબ્બર, રામનું પાત્ર કિંશુક વૈદ્ય અને સીતાનું પાત્ર રિની આર્ય ભજવશે. આ સાથે જ, ભાજપના સાંસદ મનોજ તિવારી પરશુરામની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચોઃ કોલકાતામાં ભારે વરસાદથી જીવન અસ્ત-વ્યસ્ત, 30થી વધુ ફ્લાઇટ થઈ રદ
આ પણ વાંચોઃ ગુજરાતના આ શહેરમાં પોલીસનો નવો નિયમ, હોટેલમાં યુવક-યુવતીઓને બે-ત્રણ કલાક રૂમ ભાડે ન આપવા












