બબાલ બાદ મોટો નિર્ણય: ‘પેદ્દી’ ફિલ્મના ડિરેક્ટરે હટાવ્યા જ્હાન્વી કપૂરના વિવાદાસ્પદ દ્રશ્યો

Peddi Movie Scenes Deleted: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ (Ram Charan) અને જ્હાન્વી કપૂરની (Janhvi Kapoor) ફિલ્મ ‘પેદ્દી’ (Peddi) ના બોલ્ડ અને ઓબ્જેક્ટિફાય કરતા સીન્સને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે ડિરેક્ટરે મોટો નિર્ણય લીધો છે. વધતા વિરોધ અને ટ્રોલિંગને જોતા ફિલ્મ મિકર્સ અને ડિરેક્ટર બુચી બાબુ સનાએ (Buchi Babu Sana) ફિલ્મમાંથી એ વિવાદાસ્પદ ક્લિપ્સ અને દ્રશ્યો કાપી નાખવાની (ટ્રીમ કરવાની) જાહેરાત કરી છે અને લોકોની માફી પણ માંગી છે.
ડિરેક્ટરે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર થયેલા વિરોધ બાદ તેમણે ફિલ્મમાંથી એવા સીન્સ હટાવી દીધા છે, જેમાં જ્હાન્વી કપૂરના પાત્રને જરૂર કરતાં વધુ ગ્લેમરાઇઝ અને એક વસ્તુ (ઓબ્જેક્ટ) ની જેમ બતાવવામાં આવ્યું હતું. તેમના મતે, જ્હાન્વીના કેટલાક સીન્સથી સોસાયટીમાં ખોટો મેસેજ જઈ રહ્યો હતો અને ઘણા લોકો તેના પાત્ર ‘અચિયમ્મા’ ના મહત્વને યોગ્ય રીતે સમજી શક્યા નહોતા.
જ્હાન્વીના સીન્સ પર કેમ મચ્યો હતો હોબાળો?
ફિલ્મ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમજ મહિલા અધિકાર સંગઠનોએ જ્હાન્વીના પાત્રના લેખન અને ફિલ્મની લવ સ્ટોરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જે દ્રશ્યોની સૌથી વધુ આલોચના થઈ રહી હતી, તેમાં જ્હાન્વી કપૂરનો ઈન્ટ્રોડક્શન સીન સામેલ હતો. આ સીનમાં કેમેરા તેના ચહેરા પર ઓછો અને તેની કમર, નાભિ (Navel) તેમજ શારીરિક અંગો પર વધુ ફોકસ કરતો જોવા મળ્યો હતો.
આ સિવાય અન્ય એક સીનમાં રામ ચરણનું પાત્ર ‘પેદ્દી’, જ્હાન્વીના પાત્રની મંજૂરી વગર તેને જબરદસ્તી કિસ (ચુંબન) કરે છે અને કહે છે કે તેને શારીરિક નિકટતા સિવાય પ્રેમ વ્યક્ત કરવાની બીજી કોઈ રીત નથી આવડતી. આ સીન્સને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવવામાં આવ્યા હતા.
મારું વિઝન ક્લિયર ન થઈ શક્યું: બુચી બાબુ સના
એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ડિરેક્ટર બુચી બાબુ સનાએ કહ્યું, “મારા હિસાબે ઘણા લોકોએ જ્હાન્વી કપૂરના ટ્રેકને ખોટો સમજી લીધો અને તેને વાર્તામાં બિનજરૂરી માન્યો, જ્યારે એવું નહોતું. રામ ચરણના કેરેક્ટરના બદલાવને (મેકઓવર) પડદા પર બતાવવા માટે જ્હાન્વીનું પાત્ર ખૂબ જ મહત્વનું હતું.”
તેમણે પોતાની ભૂલ સ્વીકારતા આગળ ઉમેર્યું કે, “આ ફિલ્મમાં મેં થોડો અલગ અને સાહસિક અભિગમ અપનાવ્યો હતો. પેદ્દી એક પછાત વિસ્તારમાંથી આવે છે, હું તેની કાચી અને અણઘડ વિચારસરણી બતાવવા માંગતો હતો. એવા માણસને લાગે છે કે તે જે છોકરીને પ્રેમ કરે છે તેની પર માત્ર તેનો જ અધિકાર છે. જોકે, સ્ક્રીન પર આ વાત યોગ્ય રીતે રજૂ ન થઈ શકી અને કેટલાક શૉટ્સથી ખોટો સંદેશ ગયો. અમે તેને સુધારી લીધો છે અને તે દ્રશ્યો હટાવી દીધા છે.”
ઉલ્લેખનીય છે કે, ૪ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રામ ચરણ અને જ્હાન્વી ઉપરાંત શિવ રાજકુમાર, જગપતિ બાબુ અને બોમન ઈરાની જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ વિવાદ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર દુનિયાભરમાં શાનદાર કમાણી કરી રહી છે.
આ પણ વાંચોઃ ભારત-નેપાળમાં ટ્રાન્ઝેક્શન માટે અકાઉન્ટ ડિટેલની ઝંઝટ ખતમ, ડિજિટલ પેમેન્ટ માટે UPI-NPI લિંક
આ પણ વાંચોઃ કચ્છના વિકાસને ગતિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 629 કરોડના 6 માર્ગોને ફોરલેન માટે મંજૂરી આપી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












