જે.પી નડ્ડાએ સંસદમાં વિપક્ષ નેતાને ‘માનિસક અસંતુલિત’ કહી દીધું, બાદમાં માંગી માફી, ખડગેએ કહ્યું ‘છોડીશ નહીં…’

નવી દિલ્હીઃ 29 જુલાઈ, 2025: Parliament Session: મંગળવારે (29 જુલાઈ) રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ગૃહના નેતા જેપી નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. નડ્ડાએ ખડગે પર પ્રહાર કર્યો, જેનાથી વિપક્ષના સાંસદો ગુસ્સે થયા હતા. જોકે, ત્યારબાદ જેપી નડ્ડાએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું અને ખડગેની માફી પણ માંગી. આ સિવાય કાર્યવાહીમાંથી તે શબ્દ દૂર કરવાની વિનંતી કરી. પરંતુ ખડગેએ તેને પોતાનું અપમાન ગણાવ્યું છે અને જેપી નડ્ડાને ચેતવણી આપી છે.
‘માનસિક સ્થિતિ ગુમાવીને…’
ગૃહમાં ખડગેના ભાષણ પછી, કેન્દ્રીય મંત્રી નડ્ડાએ કહ્યું કે, ‘ખડગેજીએ પોતાના કદ પ્રમાણે શબ્દોનો ઉપયોગ નથી કર્યો. હું ઈચ્છું છું કે તે શબ્દો કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવે. તેઓ એક વરિષ્ઠ નેતા છે, પરંતુ તેમણે જે રીતે વડા પ્રધાન પર ટિપ્પણી કરી, તે જોઈને હું તેમનું દુઃખ અનુભવી શકું છું. વડાપ્રધાન મોદીએ તેમને 11 વર્શથી વિપક્ષમાં બેસાડી રાખ્યા છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.’
નડ્ડાએ વધુમાં કહ્યું કે, ‘આપણે બધાને આ વાતનો ગર્વ હોવો જોઈએ, પરંતુ તમે તમારી પાર્ટીની પ્રવૃત્તિઓમાં ખૂબ વ્યસ્ત હોવાથી, રાષ્ટ્રનો મુદ્દો તમારા માટે ગૌણ બની જાય છે અને તમારું ‘માનસિક સંતુલન’ ગુમાવ્યા પછી, તમે વડાપ્રધાન મોદી માટે બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરો છો.’
જે. પી નડ્ડાના આ નિવેદન પછી, વિપક્ષી સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો. હોબાળો વધતો જોઈને જેપી નડ્ડાએ કહ્યું કે, હું મારા શબ્દો પાછા લઉં છું. માનસિક અસંતુલન નહીં, રેકોર્ડમાં ભાવાવેશ કરી દો. મહેરબાની કરીને આ શબ્દો એક્સપંજ કરી દો.’ પરંતુ, નડ્ડાના નિવેદન પર હોબાળો રોકાયો નહીં અને વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા રહ્યા.
VIDEO | Union Minister JP Nadda (@JPNadda) demands that the words like ‘gaddar’ (traitor) that were used by Rajya Sabha LoP Mallikarjun Kharge (@kharge) in the House be expunged from the proceedings.
The Union Minister said, “…He (Mallikarjun Kharge) didn’t use the words as… pic.twitter.com/UxirUZd6nh
— Press Trust of India (@PTI_News) July 29, 2025
આ સિવાય નડ્ડાએ કહ્યું કે, ‘ખડગેજી ખૂબ જ વરિષ્ઠ નેતા છે અને હું મારા શબ્દો પાછા લઉં છું. ખડગેજીએ ભાવનામાં બોલેલા શબ્દો તેમની પાર્ટી અને તેમના વ્યક્તિત્વ સાથે મેળ ખાતા નથી અને આવી સ્થિતિમાં તેમને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવા જોઈએ.
જેપી નડ્ડા પછી ખડગેએ કહ્યું કે, હું નડ્ડા સાહેબનું સન્માન કરૂં છું. રાજનાથ સિંહ અને નડ્ડા સાહેબ કેટલાક મંત્રીઓ છે જે સંતુલન ગુમાવ્યા વિના વાત કરે છે. પરંતુ તેઓ મને માનસિક કહી રહ્યા છે, આ શરમજનક વાત છે. તેમણે માફી માંગવી જોઈએ, હું તેમને છોડવાનો નથી.
આના પર નડ્ડાએ ફરીથી કહ્યું કે, મેં મારા શબ્દો પાછા ખેંચી લીધા છે અને જો તમારી લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું પણ માફી માંગુ છું. જેપી નડ્ડાએ આગળ કહ્યું કે પણ તમે લાગણીઓમાં ડૂબી ગયા, તમે એટલા ડૂબી ગયા કે તમે વડાપ્રધાનની ગરિમાનું પણ ધ્યાન રાખી શક્યા નહીં, આ યાદ રાખવાની જરૂર છે.
ખડગેના કયા નિવેદન પર થયો હોબાળો?
હકીકતમાં, મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે શું સરકારને પહલગામ હુમલાની કોઈ આશંકા હતી? કારણ કે તમે ત્રણ દિવસ પહેલા જ તમારી મુલાકાત રદ કરી દીધી હતી. ત્યાં જઈ રહેલા પ્રવાસીઓ, દર્શન માટે જઈ રહેલા લોકોને જવા દો. અહીં ગૃહમંત્રી કાનમાં ફફડાટ ફેલાવે છે કે ત્યાં જવું યોગ્ય નથી, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સારી નથી. તો હું શું કહું, જો તમારા પોતાના જીવ બચાવવા માટે બીજાના જીવ જાય, તો શું આ સ્વીકાર્ય છે? શું આ તમારી દેશભક્તિ છે?
જેપી નડ્ડાએ તુરંત બાદ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, વિપક્ષી નેતાએ વડાપ્રધાન વિશે ખૂબ જ ગંભીર વાત કહી છે. આ વાતની પુષ્ટિ થવી જોઈએ અથવા તેનો ખુલાસો થવો જોઈએ. પરંતુ પછી નડ્ડાને પૂરતો સમય મળ્યો નહીં. બાદમાં, ખડગેના ભાષણ પછી, નડ્ડા આ નિવેદન પર સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ખડગે પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસ વધુ તૂટી, જાણો કયા બે નેતાએ રાજીનામું આપ્યું
આ પણ વાંચોઃ બોલીવુડને પડકાર આપવા માટે આવી 2100 કરોડની નવી ફિલ્મ, ટ્રેલરે યુટ્યુબ પર મચાવી ધમાલ












