પીએમ મોદીના પરિવાર અંગે ખડગેની કથિત ટિપ્પણીથી વિવાદ, પટનામાં ફરિયાદ

Kharge Modi Father Remark Row : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ના એક નિવેદનને પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના પિતા અંગેની કથિત ટિપ્પણીને લઈને બિહારના પટનામાં ખડગે સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સહિત ભાજપના નેતાઓએ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
પટનામાં કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન સર્જાયો વિવાદ
આ ઘટના પટનાના બાપુ સભાગારમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં બની હતી. બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની જન્મજયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ખડગે ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે શ્રોતાઓમાં હાજર એક વ્યક્તિએ વચ્ચે બોલીને કહ્યું હતું કે મોદી ક્યાંય જવાના નથી.
આ વાતના જવાબમાં ખડગેએ કરેલી કથિત ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ ભાજપના નેતાઓએ નિવેદનની ટીકા કરી હતી અને મામલો ફરિયાદ સુધી પહોંચ્યો હતો.
ભાજપના નેતાએ ફરિયાદ નોંધાવી, તપાસની માગ કરી
બિહાર ભાજપની પ્રદેશ કાર્યસમિતિના સભ્ય કૃષ્ણ કુમારે પટનામાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ટેલિવિઝન પર પ્રસારિત સમાચારો દ્વારા આ ટિપ્પણી વિશે જાણ થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તેમના દાવા મુજબ, આ નિવેદનથી તેમને દુઃખ પહોંચ્યું છે. ફરિયાદમાં જાહેર મંચ પરથી કોઈ વ્યક્તિના પરિવાર અંગે અપમાનજનક ટિપ્પણી કરવાના મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જાહેર જીવનમાં શિષ્ટાચાર અને પરસ્પર સન્માન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકીને આ મામલે તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વિવાદ સામે આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખડગેના નિવેદનની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષે તમામ મર્યાદાઓ ઓળંગી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ આ મામલે વાંધો વ્યક્ત કર્યો હતો. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ ખડગે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પાસે માફી માગવાની માગ કરી છે. ભાજપે આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરતાં રાજકીય તણાવ વધુ વધ્યો છે.
કોંગ્રેસે પોતાના અધ્યક્ષનો બચાવ કર્યો
બીજી તરફ, કોંગ્રેસે ખડગેની ટિપ્પણીનો બચાવ કરતાં ભાજપ પર જ આક્ષેપો કર્યા છે. કોંગ્રેસનો દાવો છે કે પટનામાં કાર્યક્રમ દરમિયાન ભાજપના એક કાર્યકરે પહેલાં ખડગેના દિવંગત પિતા અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં ખડગેએ વડાપ્રધાન મોદીના વૈચારિક પિતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે છેલ્લા કેટલાક મહિનામાં ખડગેને બીજી વખત અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં ઉત્તરાખંડમાં યોજાયેલી એક રેલીમાં ખડગેના ભાષણ બાદ શુદ્ધિકરણ જેવી કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકીય ટકરાવ વધવાની શક્યતા
ખડગેના નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસ આમનેસામને આવી ગયાં છે. ભાજપે આ મુદ્દે વિરોધ પ્રદર્શનની તૈયારી કરી છે, જ્યારે કોંગ્રેસ પોતાના અધ્યક્ષના સમર્થનમાં ઊભી રહી છે. પટનામાં નોંધાયેલી ફરિયાદ બાદ હવે આ મામલે તપાસ અને આગળની કાર્યવાહી પર નજર રહેશે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંકટ ઘેરું: ધોળીધજા ડેમમાં માત્ર 15 ફૂટ પાણી, સૌની યોજના બંધ થતાં માલધારીઓની હિજરત












