સુંદર અને આકર્ષક બાળક દેખાતા હત્યા કરી મનાવતી જશ્ન, દીકરા સહિત 4 બાળકોને ભરખી ગઈ

હરિયાણા: 3 ડિસેમ્બર, 2025: હરિયાણાના પાણીપતમાં પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે, જેણે પોતાની ઈર્ષ્યા (Jealousy) અને માનસિક વિકૃતિના કારણે અત્યાર સુધીમાં ચાર માસૂમ બાળકોની હત્યા કરી દીધી. ચોંકાવનારી વાત એ છે કે તેમાં તેનો પોતાનો સગો પુત્ર પણ સામેલ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મહિલા પૂનમ ખાસ કરીને સુંદર કે આકર્ષક દેખાતા બાળકોને નિશાન બનાવતી હતી અને દરેક વખતે તેમને ટબ, બાથરૂમના હવાડા કે પાણીના કોઈ નાના કન્ટેનરમાં ડુબાડીને મારી નાખતી હતી.
ચોથો બનાવ બન્યો હત્યાનો ભેદ ઉકેલવાનું કારણ
નૌલ્થા ગામમાં પહેલી ડિસેમ્બરે એક લગ્ન સમારોહ દરમિયાન છ વર્ષની બાળકી વિધિ શંકાસ્પદ સંજોગોમાં એક ટબમાં મૃત મળી આવી. બાળકીની ઊંચાઈ ટબથી ઘણી મોટી હતી, જેના કારણે આ અકસ્માત પર શંકા ઘેરી બની. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જોયું કે બાળકી જે ટબમાં મૃત મળી, તે ખૂબ નાનું હતું અને તેમાં ડૂબવાની શક્યતા ઓછી હતી. બાથરૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો. પોલીસે સીસીટીવી કેમેરા જોયા તો ઘરમાં ફક્ત પૂનમ જ આવતી-જતી દેખાઈ.
પોલીસ પૂછપરછમાં થયો ખુલાસો
પરિવારની ફરિયાદ પર પોલીસની પૂછપરછમાં પૂનમે આ દિલધડક ખુલાસો કર્યો કે, તે વિધિ ઉપરાંત પહેલા પણ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી ચૂકી છે, જેમાં એક તેનો સગો દીકરો હતો.
પૂનમની માનસિક વિકૃતિ: સુંદરતાથી ઈર્ષ્યા
પોલીસે જણાવ્યું કે, પૂનમ સાયકો હતી, તે સુંદરતાથી ઈર્ષ્યા કરતી હતી. તેને લાગતું હતું કે તેનાથી સુંદર કોઈ હોવું ન જોઈએ. સુંદર બાળકોને જોઈને પૂનમના મનમાં આગ લાગી જતી હતી, ત્યારબાદ તે હત્યાનું પ્લાનિંગ કરતી હતી.
ચાર હત્યાઓનો ખૌફનાક ક્રમ
આરોપી મહિલાએ કબૂલ્યું કે તેણે અત્યાર સુધીમાં ‘સુંદર’ કે આકર્ષક હોવાને કારણે ચાર બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
1. 2023 (સોનીપત, બોહડ ગામ): પૂનમે પોતાની નણંદની નાની બાળકીને પાણીના હવાડામાં ડુબાડીને મારી નાખી. કોઈને તેના પર શંકા ન જાય, તેથી આ સાયકોએ પોતાના સગા દીકરાને પણ તે જ હવાડામાં ડુબાડીને મારી નાખ્યો. તે સમયે પરિવારે આને અકસ્માત માનીને ભૂલી ગયું હતું.
2. 2025 (સિવાહ ગામ): પૂનમ પોતાના મામાના ઘરે સિવાહ ગામમાં આવી. અહીં તેણે પોતાના સગામાં લાગતી એક ભત્રીજીને પણ આ જ રીતે પાણીમાં ડુબાડીને મારી નાખી, જેને લોકોએ અકસ્માત માન્યો.
3. 1 ડિસેમ્બર, 2025 (પાણીપત, નૌલ્થા ગામ): છ વર્ષની વિધિની હત્યા. પોલીસે જણાવ્યું કે હત્યા કર્યા પછી મહિલા અસામાન્ય ખુશી અનુભવતી હતી.
36 કલાકમાં થયો ખુલાસો
સીઆઈએ-વન ટીમે ફક્ત 36 કલાકમાં સમગ્ર મામલા પરથી પડદો ઉઠાવી દીધો. એસપીએ જણાવ્યું કે આ કેસ ખૂબ જ સંવેદનશીલ અને ચોંકાવનારો હતો, કારણ કે આરોપીએ પોતાનો ગુનો છુપાવવા માટે પોતાના જ દીકરાને પણ છોડ્યો નહોતો.
હાલ, મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તેના માનસિક સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર હરિયાણામાં સનસનાટી ફેલાઈ ગઈ છે.












