પાકિસ્તાનની નાપાક હરકત, કરાચીમાં 100 વર્ષ જૂના મંદિર પર ગેરકાયદેસર કબજો કર્યો

પાકિસ્તાન. 22 મે 2025 : પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરવા તૈયાર નથી. આ વખતે પાકિસ્તાનીઓએ સિંધ પ્રાંતના ટંડો જામ શહેર નજીક સ્થિત 100 વર્ષથી વધુ જૂના શિવ મંદિરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. કબજા બાદ ત્યાં ગેરકાયદેસર બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓએ આ ઘટના પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે અને સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. હિન્દુ સંગઠન ‘દરાવર ઇત્તેહાદ પાકિસ્તાન’ના વડા શિવ કચ્છીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે કરાચીથી લગભગ 185 કિલોમીટર દૂર મુસા ખટિયાન ગામમાં સ્થિત આ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક બંને દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
કચ્છીએ કહ્યું, “આ મંદિર એક સદી કરતાં પણ વધુ જૂનું છે, પરંતુ બદમાશોએ મંદિર પરિસર અને તેની આસપાસની જમીન પર અતિક્રમણ કર્યું છે. મંદિર તરફ જતો રસ્તો પણ અવરોધિત કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે મંદિરનું સંચાલન અને લગભગ ચાર એકર જમીનની જાળવણી સ્થાનિક સમિતિની જવાબદારી છે. ગયા વર્ષે, સિંધ હેરિટેજ વિભાગે પણ મંદિરનું આંશિક રીતે નવીનીકરણ કર્યું હતું, જે તેના ઐતિહાસિક મહત્ત્વની પુષ્ટિ કરે છે.
મંદિરની નજીક આવેલા સ્મશાનભૂમિને પણ અસર થઈ છે
કાચ્છીએ કહ્યું કે મંદિરની નજીક સમુદાયના લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિ આવેલી છે, જેના કારણે તેની પવિત્રતા હવે જોખમમાં છે. દર સોમવારે ભક્તો મંદિરમાં ભજન અને કીર્તન ગાવા માટે ભેગા થાય છે, જે હવે આ કબજા અને બાંધકામ કાર્યને કારણે ખોરવાઈ રહ્યું છે. શિવ કચ્છીએ પાકિસ્તાન સરકારને મંદિર સંકુલમાં અને તેની આસપાસ ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક બંધ કરવા અને કબજેદારો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, “સિંધમાં ઘણા ઐતિહાસિક હિન્દુ મંદિરો છે અને તેમનું રક્ષણ કરવું સરકારની બંધારણીય ફરજ છે.”
લઘુમતીઓના ધાર્મિક સ્થળોની સુરક્ષા પર ફરી સવાલો ઉભા થયા
આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુ સમુદાયના ધાર્મિક સ્થળો પર હુમલા અને અતિક્રમણની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. માનવાધિકાર સંગઠનોએ પાકિસ્તાન સરકારને વારંવાર લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના વારસાના સ્થળોનું રક્ષણ સુનિશ્ચિત કરવા હાકલ કરી છે.
આ પણ વાંચો : દીપિકા ‘ભારે’ પડી! સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાંથી બહાર, પ્રભાસની Spiritમાં હવે કોણ?












