કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, આખી રાત ચાલ્યો ગોળીબાર

નવી દિલ્હી, 26 એપ્રિલ 2025: પહલગામ આતંકી હુમલા બાદ ભારતના કડક વલણથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સેનાએ સતત બીજા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જાણકારી અનુસાર, જમ્મુ કાશ્મીરના ગુરેઝ અને તંગધાર સેક્ટરમાં આખી રાત ફાયરિંગ થયું. ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
આ કારણે ફાયરિંગ કરી રહ્યું છે પાકિસ્તાન
હકીકતમાં જોઈએ તો, પાકિસ્તાન ડરના કારણે આખી રાત ફાયરિંગ કરી રહ્યું છે. તેને લાગી રહ્યું છે કે, ક્યાંક ભારતીય સેના ક્રોસ બોર્ડર ન કરી દે. ભારતીય સેના તરફથી કહેવાયું છે કે, 25-26 એપ્રિલ 2025ની રાતે કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર કરી કેટલાય પાકિસ્તાની સેના ચોકી દ્વારા ઉશ્કેરણી વિના જ ગોળીબાર કરી રહ્યા છે. ભારતીય સૈનિકોએ નાના હથિયારોથી જવાબ આપ્યો છે. ગોળીબારમાં કોઈ હતાહતના સમાચાર નથી.
ગઈકાલે પણ પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો
અગાઉ, પાકિસ્તાની સેનાએ ગુરુવાર-શુક્રવાર રાત્રે નિયંત્રણ રેખા (LoC) પર અનેક ચોકીઓ પરથી ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો છે.
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા
અહીં ઉલ્લેખનિય છે કે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને પહલગામ હુમલા માટે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગણી સાથે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલા બાદ અમેરિકાને મળ્યો ભારતનો સપોર્ટ, ટ્રમ્પે કહ્યું- આ એક ભયાનક હુમલો












