ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

PAK vs SL: પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર બીજી ટેસ્ટમાંથી બહાર

PAK vs SL: રાવલપિંડીમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર સાકિબ ખાન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે મેચના બાકીના ભાગમાંથી બહાર થઈ ગયો છે. સાકિબની ઈજાએ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી દીધી છે, કારણ કે ટીમ પહેલેથી જ ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી.

સાકિબ બીજા દિવસે બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. પોતાની બીજી ઇનિંગમાં બોલિંગની બીજી ઓવરની શરૂઆતમાં જ તેને મેદાન છોડવું પડ્યું હતું. આ દરમિયાન તે માત્ર 8 બોલ જ ફેંકી શક્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા તેની ઈજાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. બોર્ડ એ જાણવા માગતું હતું કે સાકિબ આ ટેસ્ટમાં ફરી બોલિંગ કરી શકશે કે નહીં. જોકે, ત્રીજા દિવસે તે મેદાન પર ઉતર્યો નહોતો. ત્યારબાદ PCBએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સાકિબને ડાબા પગની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે અને તે ટેસ્ટ મેચના બાકીના ભાગમાં રમી શકશે નહીં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બાકીના બોલરો પર વધ્યું દબાણ

સાકિબ મેચમાંથી બહાર થતાં પાકિસ્તાનની બોલિંગ લાઇનઅપ નબળી પડી ગઈ છે. હવે ટીમ પાસે માત્ર ત્રણ ફાસ્ટ બોલરો બચ્યા છે, જેમણે શ્રીલંકાની મજબૂત બેટિંગ સામે સતત બોલિંગ કરવી પડી રહી છે. ત્રીજા દિવસે ટી-બ્રેક સુધી મોહમ્મદ અબ્બાસ 26 ઓવર, રઝાઉલ્લાહ 21.4 ઓવર અને આમિર જમાલ 19 ઓવર બોલિંગ કરી ચૂક્યા હતા. પાકિસ્તાને પાર્ટટાઇમ સ્પિનર સલમાન આગાનો પણ વધુ ઉપયોગ કર્યો નહોતો. શ્રીલંકાની બીજી ઇનિંગની શરૂઆતની 74 ઓવરમાં તેણે માત્ર 5 ઓવર બોલિંગ કરી હતી. જોકે, આ દરમિયાન તેણે સોનલ દિનુષા અને કુસલ મેન્ડિસ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે થયેલી 81 રનની ભાગીદારી તોડી હતી.

આ પણ વાંચો: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે દિવાળીમાં નવો રેકોર્ડ, 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે સાકિબ

31 વર્ષીય સાકિબ ખાને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ તેણે 7 વિકેટ ઝડપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ શ્રેણીમાં અત્યાર સુધી તે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે 7 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ટેસ્ટમાં પણ તેના નામે 2 વિકેટ છે. સાકિબની ઈજાએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ સામે ફાસ્ટ બોલરોને લાંબા સમય સુધી ફિટ રાખવાનો પડકાર ઊભો કર્યો છે. જોકે, પાકિસ્તાન માટે રાહતની વાત એ છે કે આગામી બે મહિના સુધી ટીમે કોઈ ટેસ્ટ મેચ રમવાની નથી. આગામી વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ ઉપરાંત વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં પાકિસ્તાનની બીજી કોઈ ટેસ્ટ મેચ નિર્ધારિત નથી.

Back to top button