એક જ પરિવારના 5 લોકોનાં મોતથી ખળભળાટ! ખેતરના કૂવામાંથી માતા-પિતા, દીકરી અને બે માસૂમ બાળકોના મૃતદેહ મળ્યા

તમિલનાડુના કરૂર જિલ્લામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ ખેતરમાં આવેલા કૂવામાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં 63 વર્ષના પિતા, 60 વર્ષની માતા, તેમની 35 વર્ષની દીકરી અને દીકરીનાં બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે સાંજે ગામના લોકોએ ખેતરના કૂવામાં પાંચ મૃતદેહ તરતા જોયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ખેતરના કૂવામાંથી એક પછી એક પાંચ મૃતદેહ બહાર કઢાયા
મળતી માહિતી મુજબ, કરૂર જિલ્લાના ચિનાકલિયાપાલયમ ગામમાં રામાસામીના પરિવારનું ખેતર આવેલું છે. બુધવારે સાંજે કેટલાક ગ્રામજનો ખેતરમાં ગયા હતા ત્યારે ત્યાં આવેલા કૂવામાં મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં વંગલ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ કૂવામાંથી પાંચેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ 63 વર્ષીય રામાસામી, તેમની 60 વર્ષીય પત્ની જાનકી, 35 વર્ષીય દીકરી સુગુના, 10 વર્ષની શિવાની અને 4 વર્ષના અથિરન તરીકે થઈ હતી.
એક જ પરિવારના ત્રણ વયસ્ક અને બે નાનાં બાળકોનાં મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પતિ સાથેના વિવાદ બાદ બે બાળકોને લઈને પિયર આવી હતી સુગુના
આ ઘટનામાં પરિવારની દીકરી સુગુનાના લગ્નજીવનનો મામલો પણ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુગુનાનાં લગ્ન આશરે 13 વર્ષ પહેલાં પ્રભુ નામના વ્યક્તિ સાથે થયાં હતાં. પ્રભુ વેલાયુથમપાલયમ વિસ્તારના રહેવાસી છે. દંપતીને બે બાળકો હતાં, જેમાં 10 વર્ષનો દીકરો અને 4 વર્ષનો દીકરો સામેલ હતો.
સુગુના અને તેના પતિ વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ બાદ સુગુના 15 નવેમ્બરે બંને બાળકોને લઈને પિયર આવી ગઈ હતી. તે કરૂરના વેંગમેડુ વિસ્તારના કોંગુ નગરમાં પોતાના માતા-પિતા રામાસામી અને જાનકી સાથે રહેતી હતી.
પારિવારિક વિવાદ અને પાંચ મોત વચ્ચે શું છે સંબંધ?
સુગુના પતિ સાથેના વિવાદ બાદ માતા-પિતાના ઘરે રહેવા આવી હતી અને તેના થોડા જ દિવસોમાં પરિવારના પાંચેય સભ્યોના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા છે. આ સંજોગોને કારણે પોલીસ હવે પારિવારિક વિવાદ અને પાંચેયનાં મોત વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
જોકે, પોલીસ દ્વારા હજુ સુધી મોતનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પાંચેય લોકો કૂવા સુધી કેવી રીતે પહોંચ્યા, તેઓનાં મોત કયા સંજોગોમાં થયાં અને આ ઘટનામાં કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ પાસાંની તપાસ ચાલી રહી છે.
મોતનું રહસ્ય ઉકેલવા પોલીસ તપાસમાં લાગી
હાલમાં આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. શું પારિવારિક વિવાદને કારણે આ દુર્ઘટના બની કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ છે? પાંચેય લોકોનાં મોત કેવી રીતે થયાં તે અંગે પોલીસ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી નથી.
એક જ પરિવારના પાંચ સભ્યો, જેમાં બે માસૂમ બાળકો પણ સામેલ છે, તેમના મોતથી કરૂર પંથકમાં શોકનો માહોલ છે. હવે પોલીસ તપાસ અને મળનારા પુરાવા બાદ જ આ હૃદયદ્રાવક ઘટનાનું સાચું કારણ બહાર આવી શકશે.
આ પણ વાંચો: અમૂલ બાદ સુમુલ ડેરીનો પણ ભાવવધારાનો ડામ! આજથી દૂધ ₹6 સુધી મોંઘું












