ઈન્દિરા ગાંધીની જન્મજયંતીએ PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, X પર પોસ્ટ કરીને કર્યા યાદ

Modi Tribute : દેશના પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) ઈન્દિરા ગાંધીની આજે 19 નવેમ્બરે જન્મજયંતી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાનને યાદ કર્યા હતા. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ.”
Paying tribute to former Prime Minister Smt. Indira Gandhi Ji on her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2026
1917માં પ્રયાગરાજમાં થયો હતો જન્મ
ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને કમલા નેહરુનાં પુત્રી હતાં. તેમના દાદા મોતીલાલ નેહરુએ તેમનું નામ ઈન્દિરા રાખ્યું હતું, જ્યારે પિતા જવાહરલાલ નેહરુએ નામની સાથે ‘પ્રિયદર્શિની’ ઉમેર્યું હતું. તેઓ ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી તરીકે ઓળખાયાં હતાં.
ચાર વખત દેશનાં વડાપ્રધાન બન્યાં હતાં ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી ભારતીય રાજકારણમાં એક પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેઓ દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન હતાં. તેમણે 1966થી 1977 સુધી સતત ત્રણ કાર્યકાળ દરમિયાન દેશનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ 1980માં ફરી સત્તા પર પાછાં ફર્યાં અને 31 ઓક્ટોબર, 1984 સુધી વડાપ્રધાન રહ્યાં હતાં.
તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જોકે, વર્ષ 1975માં દેશમાં કટોકટી (Emergency) લાગુ કરવાનો નિર્ણય તેમના રાજકીય જીવનનો સૌથી વિવાદાસ્પદ નિર્ણય ગણાય છે. આ નિર્ણય બાદ 1977ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જૂન 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં સૈન્ય કાર્યવાહી (Operation Blue Star) કરવામાં આવી હતી. ત્યારબાદ 31 ઓક્ટોબર, 1984ના રોજ નવી દિલ્હીમાં તેમના જ શીખ અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હત્યાના દોષિત કેહર સિંહના પુત્રને ચૂંટણીની ટિકિટ
દરમિયાન પંજાબની રાજનીતિમાં પણ ઈન્દિરા ગાંધીની હત્યાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘વારિસ પંજાબ દે’ સંગઠને ઈન્દિરા ગાંધીની હત્યાના કાવતરામાં દોષિત ઠરેલા કેહર સિંહના પુત્ર સતવંત સિંહને બસ્સી પઠાણા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
કે હેર સિંહને ઈન્દિરા ગાંધીની હત્યાના કાવતરામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. તેમના પુત્રને ચૂંટણી મેદાનમાં ઉતારવાના નિર્ણયથી પંજાબના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો : 8મું પગાર પંચ: સેનામાં મોટા ફેરફારોની તૈયારી, નિવૃત્તિ વય વધારવાનો પ્રસ્તાવ!












