ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચક્રવાત અકવાનનું રૌદ્ર સ્વરૂપ! 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, 72 હજાર લોકોનું સ્થળાંતર

Cyclone Akvan: બંગાળની ખાડીમાં સર્જાયેલું ભીષણ ચક્રવાત અકવાન (Cyclone Akvan) હવે ભારતના પૂર્વીય દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર ચક્રવાત 20 નવેમ્બર, શુક્રવારે બપોર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાપટાં દરમિયાન 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે.

ઓડિશામાં 72 હજાર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

ચક્રવાતના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે. 19 નવેમ્બરના બપોર સુધીના અહેવાલ મુજબ આશરે 72 હજાર લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં 7,900 આશ્રયસ્થાનોની ઓળખ કરવામાં આવી છે. જોખમી વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય સચિવ અનુ ગર્ગે ચક્રવાત દરમિયાન એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’નું લક્ષ્ય રાખ્યું હોવાનું જણાવ્યું છે.

20 નવેમ્બરે ગોપાલપુર નજીક ટકરાઈ શકે છે ચક્રવાત

હવામાન વિભાગની 19 નવેમ્બરે સવારે 11:30 વાગ્યાની માહિતી અનુસાર ચક્રવાત ઓડિશાના ગોપાલપુરથી આશરે 430 કિલોમીટર દક્ષિણમાં અને પુરીથી 490 કિલોમીટર દક્ષિણમાં સ્થિત હતું. તે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. આગામી સમયમાં ચક્રવાત ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને આંધ્રપ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચે, ગોપાલપુર નજીક દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

છ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

ચક્રવાતના કારણે ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કેન્દ્રાપાડા, જગતસિંહપુર, પુરી, ગંજામ, ગજપતિ અને કંધમાલ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ પણ ઊભું થઈ શકે છે. ગજપતિ અને કંધમાલના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બચાવ કામગીરી માટે NDRF સહિત અનેક ટીમો તૈનાત

ચક્રવાતને પહોંચી વળવા ઓડિશામાં 60 ODRAF ટીમો, 14 NDRF ટીમો અને 131 ફાયર સર્વિસ ટીમો તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રે દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ શરૂ કરી છે. રાજ્યની 19,057 માછીમારી બોટ દરિયામાંથી પરત ફરીને સુરક્ષિત બંદરો પર પહોંચી હોવાનું જણાવાયું છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

શાળાઓ બંધ, દરિયાકાંઠે પ્રવાસીઓની અવરજવર પર નિયંત્રણ

ચક્રવાતને ધ્યાનમાં રાખીને ઓડિશાના 11 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ 21 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુરીના દરિયાકાંઠા, ચિલ્કા સરોવર અને સતપાડા વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નંદનકાનન પ્રાણી સંગ્રહાલય અને ભીતરકનિકા નેશનલ પાર્ક પણ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પૂર્વ તટ રેલવે દ્વારા 23 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ વરસાદની શક્યતા

ચક્રવાતની અસરને કારણે પશ્ચિમ બંગાળના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઝારખંડમાં પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચક્રવાત સામે તંત્રની તૈયારીઓ તેજ

ઓડિશા અને આંધ્રપ્રદેશના વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરી માટે તૈયારીઓ વધારી દીધી છે. દરિયાકાંઠાના રહેવાસીઓને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ ચક્રવાતની ગતિ અને દિશા પર સતત નજર રાખી રહ્યું છે. આગામી કલાકોમાં ચક્રવાતની સ્થિતિ અનુસાર નવી ચેતવણીઓ જાહેર થઈ શકે છે.

આ પણ વાંચોઃ ભારતમાં 1.2 કરોડ બાળકો ડ્રગ્સના વ્યસની, 40%ના ઘરમાં મળે છે તમાકુ-દારૂ
Back to top button