હવે આ કામ માટે પતિની મંજૂરી લેવાની જરૂર નથીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

તમિલનાડુઃ 25 જૂન, 2025: Madras High Court Landmark Verdict: મદ્રાસ હાઈકોર્ટે મહિલા અધિકારો પર એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં પતિની પરવાનગી જેવી પુરૂષપ્રધાન પરંપરાઓ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, લગ્ન પછી પણ સ્ત્રી પોતાની વ્યક્તિગત ઓળખ ગુમાવતી નથી અને પાસપોર્ટ જેવી આવશ્યક સુવિધાઓ માટે તેને કોઈની પરવાનગીની જરૂર નથી.
શું હતો કેસ?
આ કેસ જે. રેવતી નામની મહિલાનો હતો, જેના લગ્ન 2023માં થયા હતા અને બીજા જ વર્ષે તેમના વૈવાહિક જીવનમાં વિવાદો શરૂ થયા હતા. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. આ સમય દરમિયાન રેવતીએ પાસપોર્ટ માટે અરજી કરી હતી પરંતુ ચેન્નાઈ પાસપોર્ટ ઓફિસે તેના પતિની પરવાનગી અને સહીની શરત મૂકી હતી, જેના કારણે રેવતીને હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટની આકરી ટિપ્પણી
મળતી માહિતી મુજબ, મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ એન.આનંદ વેંકટેશની ખંડપીઠે આ કેસમાં કહ્યું કે, પતિની પરવાનગી માંગવી એ સ્ત્રીને પતિની મિલકત માનવા જેવું છે અને આ માનસિકતા મહિલા સશક્તિકરણની વિરુદ્ધ છે. કોર્ટે આ પ્રથાને પુરૂષપ્રધાનતાનું ઉદાહરણ ગણાવ્યું અને કહ્યું કે તે આજના આધુનિક સમાજ માટે શરમજનક છે.
હવે શું થશે?
કોર્ટે પાસપોર્ટ ઓફિસને રેવતીની અરજી પર તેના પતિની પરવાનગી લીધા વિના પ્રક્રિયા કરવા અને ચાર અઠવાડિયામાં પાસપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટનો આ નિર્ણય મહિલાઓના વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરવા માટે મહત્ત્વનો છે.
આ પણ વાંચોઃ શુભાંશુના સ્પેસ મિશનથી ભારતને શું ફાયદો થશે? પૂર્વ ઈસરો ચીફે સોમનાથે સમજાવ્યું
આ પણ વાંચોઃ એસટી વિભાગ દ્વારા રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરાયો: યોજનામાં કરાયો ફેરફાર












