ટ્રેન્ડિંગનેશનલ

‘કારો પર પ્રયોગ નહીં, 100% શુદ્ધ પેટ્રોલ જોઈએ’: CJP બાદ હવે સોશિયલ મીડિયા પર ગાજી ‘E20 જનતા પાર્ટી’

E20 Janta Party social media campaign: E20 પેટ્રોલ વિશે તમે ચોક્કસ સાંભળ્યું હશે. વિતેલા દિવસોમાં જંતર-મંતર પર થયેલા આંદોલનો અને ‘Gen-Z’ પ્રોટેસ્ટ વચ્ચે આ મુદ્દો થોડો પાછળ ધકેલાઈ ગયો હતો. પરંતુ હવે ફરી એકવાર ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ (E20) સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવ્યું છે. NEET પેપર લીક મુદ્દે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ની માંગ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. હવે તે જ તર્જ પર સોશિયલ મીડિયા પર એક નવી ડિજિટલ ઝુંબેશ શરૂ થઈ છે, જેને ‘E20 જનતા પાર્ટી’ નામ આપવામાં આવ્યું છે.

આ નવી પાર્ટીની માત્ર એક જ મુખ્ય માગણી છે: “દેશના નાગરિકોને E20 ની સાથે 100% શુદ્ધ (ઈથેનોલ ફ્રી) પેટ્રોલ ખરીદવાનો પણ વિકલ્પ મળવો જોઈએ.” મીમ્સ, કટાક્ષ અને ગંભીર સવાલોથી શરૂ થયેલું આ અભિયાન હવે દેશની ઇંધણ નીતિ અને પેટ્રોલ પંપો પર ચર્ચાનો મોટો વિષય બની રહ્યું છે.

શું છે આ ‘E20 જનતા પાર્ટી’?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, E20 જનતા પાર્ટી પોતાને નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું એક ‘કન્ઝ્યુમર રાઈટ્સ કેમ્પેઈન’ (ગ્રાહક અધિકાર અભિયાન) બતાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ પર આ અંગે ખાસ એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે.

આ ગ્રુપનું કહેવું છે કે, ફ્યુઅલ પોલિસીમાં પારદર્શિતા, સાચી માહિતી અને ગ્રાહકોની પસંદગીનું સન્માન થવું જોઈએ. જેમ અન્ય પ્રોડક્ટ્સ ખરીદતી વખતે લોકોને પસંદગીનો અધિકાર મળે છે, તેમ પેટ્રોલ પુરાવતી વખતે પણ ગ્રાહકને પોતાની જરૂરિયાત મુજબનું ઇંધણ પસંદ કરવાની આઝાદી હોવી જોઈએ.

શું છે મુખ્ય માગણીઓ?

E20 જનતા પાર્ટીની સૌથી મોટી માંગ એ છે કે દેશના દરેક પેટ્રોલ પંપ પર E20 ની સાથે 100% શુદ્ધ પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.

  • આ ગ્રુપ ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ બંધ કરવાની કે કોઈ સબસીડી કે મફત પેટ્રોલની માંગ નથી કરી રહ્યું.

  • તેમની માગણી માત્ર એટલી જ છે કે ગ્રાહકને પોતાના વાહનની જરૂરિયાત મુજબ પેટ્રોલ પસંદ કરવાનો અધિકાર મળે.

  • વાહન માલિકોએ માઇલેજમાં ઘટાડો, એન્જિનમાં ખરાબી, મેઇન્ટેનન્સ ખર્ચમાં વધારો અને એન્જિનના આયુષ્ય પર પડતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

  • પેટ્રોલ પંપો પર દરેક પ્રકારના ફ્યુઅલનું સ્પષ્ટ લેબલિંગ હોવું જોઈએ.

  • માઇલેજ, એન્જિન પર અસર, પ્રદૂષણ અને મેઇન્ટેનન્સ કોસ્ટ અંગે સ્વતંત્ર રિસર્ચ રિપોર્ટ જાહેર કરવામાં આવે.

CJP સાથે કેવી રીતે જોડાયું નામ?

E20 જનતા પાર્ટીનો અંદાજ અને શૈલી ઘણી અંશે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) જેવી જ છે. તે પણ મીમ્સ, વ્યંગ અને સોશિયલ મીડિયા કેમ્પેઈન દ્વારા લોકોનું સમર્થન મેળવી રહી છે. CJP ની શરૂઆત મે ૨૦૨૬માં એક સેટેરિકલ (કટાક્ષ) અભિયાન તરીકે થઈ હતી, જે પાછળથી NEET મુદ્દે મોટા દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગઈ હતી.

E20 જનતા પાર્ટીએ પણ એ જ શૈલી અપનાવીને પોસ્ટ કરી છે: “શું થશે જો દેશના તમામ બાઇક અને કાર માલિકો એક સાથે આવી જાય?”

હાલમાં E20 જનતા પાર્ટી કોઈ ઔપચારિક રાજકીય સંસ્થા નથી કે તેનું કોઈ રોડ પ્રોટેસ્ટ નથી. તે સંપૂર્ણપણે ડિજિટલ અભિયાન છે, પરંતુ ‘X’ પર 13,000થી વધુ અને ઈન્સ્ટાગ્રામ પર 8,800થી વધુ લોકો આ કેમ્પેઈન સાથે ઝડપથી જોડાઈ ચૂક્યા છે.

પાલ 1 રૂપિયાના નવા સિક્કા પર છાપશે વિવાદસ્પદ નકશો, ભારતે પહેલા જ વ્યક્ત કરી હતી આપત્તિ

આ પણ વાંચોઃ શ્રાવણમાં ક્યારે રાખવામાં આવે છે પ્રથમ મંગલા ગૌરી વ્રત? જાણો સાચી તારીખ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

 

Back to top button