ન કવિતા-ન શાયરી… નિર્મલા સીતારમણે પહેલીવાર આપ્યું આવું બજેટ ભાષણ

નવી દિલ્હી: 1 ફેબ્રુઆરી, 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પોતાનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અંદાજે 85 મિનિટ ચાલેલા આ ભાષણમાં તેમણે ખાસ કરીને રોકાણ, આર્થિક વિકાસ અને સુધારા પર ભાર મૂક્યો હતો. આ વખતે તેમણે પોતાના ભાષણમાં કાવ્યાત્મક પંક્તિઓ કે અવતરણોથી અંતર જાળવી રાખ્યું હતું.
તમિલનાડુની પરંપરાનું સન્માન અને ભાષણની શરૂઆત
આ ખાસ પ્રસંગે નિર્મલા સીતારમણે જાંબલી રંગની કાંજીવરમ સાડી પહેરી હતી, જે તેમના ગૃહ રાજ્ય તમિલનાડુની પરંપરાગત વણાટ કળાને સન્માન આપે છે. ભાષણની શરૂઆતમાં તેમણે ગુરુ રવિદાસ અને માઘ પૂર્ણિમાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ સમગ્ર બજેટ મુખ્યત્વે બિઝનેસ અને નીતિગત પાસાઓ પર કેન્દ્રિત રહ્યું હતું.
સાંસ્કૃતિક પ્રતીકોને બદલે આર્થિક વિકાસ પર ફોકસ
આ વખતના બજેટ ભાષણમાં કોઈ કવિનો ઉલ્લેખ નહોતો, તેમજ તિરુવલ્લુવર કે બસવન્ના જેવા સાંસ્કૃતિક પ્રતીકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકારનું સંપૂર્ણ ધ્યાન માત્ર આર્થિક વિકાસ અને રોકાણ પર જ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને ઇતિહાસનો એક મહત્વનો પડાવ અને દેશના ભવિષ્યની દિશા નક્કી કરનારું ગણાવ્યું છે.
સંસદમાં પક્ષ-વિપક્ષનો માહોલ
બજેટ દરમિયાન સત્તાધારી પક્ષના સાંસદોએ વારંવાર પાટલી થપથપાવીને સમર્થન જાહેર કર્યું હતું, જ્યારે વિપક્ષમાં નારાજગી જોવા મળી હતી. કેરળના કોંગ્રેસના સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે બજેટમાં તેમની અપેક્ષા મુજબ કંઈ મળ્યું નથી. લોકસભામાં સત્તાધારી પક્ષે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા લગાવ્યા હતા, જ્યારે વિપક્ષે “જય સંવિધાન” ના નારા સાથે જવાબ આપ્યો હતો.
મહત્ત્વની ઘટનાઓ
આ વખતનું બજેટ પ્રથમવાર ‘કર્તવ્ય ભવન’ સ્થિત નાણા મંત્રાલયની ઓફિસમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. વિપક્ષી બેન્ચો પર NCP સાંસદ સુપ્રિયા સુલેને તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર સાંત્વના આપતા જોવામાં આવ્યા હતા. નિર્મલા સીતારમણના આ બજેટે રોકાણ અને વિકાસની દિશામાં એક સશક્ત સંદેશ આપ્યો છે. બજેટ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓએ નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચોઃ બે વાર જીવનદાન મળવા છતાં વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન સામે નિષ્ફળ, પરંતુ શુભમન ગિલનો મોટો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચોઃ “રાજસ્થાન સાથે સોતેલો વ્યવહાર, ઉચી દુકાન, ફીકા પકવાન”, બજેટ પર ભૂતપૂર્વ CM અશોક ગેહલોતે કહ્યું












