ટોપ ન્યૂઝનેશનલ

નવી મુંબઈનો ખૌફનાક હત્યાકાંડ: પત્ની અને પ્રેમીએ મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો, CDRથી ખુલ્યું રહસ્ય

મુંબઈમાં એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનો આરોપ છે. નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પત્ની અને તેના પ્રેમીએ મળીને પતિની હત્યા કરી હતી અને પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહના ત્રણ ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આરોપીઓએ લગભગ 11 મહિના સુધી આ રહસ્ય છુપાવી રાખ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં આખરે સમગ્ર મામલો સામે આવ્યો છે.

ઓટો ચાલક સાથે પ્રેમ સંબંધ, પતિ બન્યો રસ્તાનો કાંટો

મળતી માહિતી મુજબ, નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં આવેલા યાદવ નગરમાં સુનીતા નામની મહિલા પોતાના પતિ બલિરામ સૂર્યનાથ કુશવાહ અને બે બાળકો સાથે રહેતી હતી. આ દરમિયાન સુનીતાની નજીકના વિસ્તારમાં રહેતા ઓટો ચાલક રાહુલ દશરથ પ્રજાપતિ સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી.

જ્યારે બલિરામને પત્નીના સંબંધોની જાણ થઈ ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો. પતિ તેમના સંબંધોમાં અડચણરૂપ બની રહ્યો હોવાનું માનતા સુનીતાએ પ્રેમી રાહુલ સાથે મળીને પતિને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બાળકોને દૂર મોકલીને હત્યાનું કાવતરું રચ્યું

પોલીસ તપાસ મુજબ, હત્યાની યોજના મુજબ સુનીતાએ પહેલા પોતાના બંને બાળકોને બે દિવસ માટે તેમની માસીના ઘરે મોકલી દીધા હતા. ત્યારબાદ 9 ઓગસ્ટ 2025ની રાત્રે જ્યારે બલિરામ ઊંઘી રહ્યા હતા ત્યારે સુનીતા અને રાહુલે મળીને તેમની હત્યા કરી હતી. આરોપ છે કે પહેલા તેમનું ગળું દબાવવામાં આવ્યું અને ત્યારબાદ ધારદાર હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મૃતદેહના કર્યા ત્રણ ટુકડા

હત્યાના પુરાવા છુપાવવા માટે આરોપીઓએ ઘરમાં જ મૃતદેહના ત્રણ ટુકડા કર્યા હતા. મૃતદેહને માથું, ધડ અને પગના ભાગમાં અલગ કરી દીધો હતો. ત્યારબાદ તેમણે મૃતદેહના ટુકડાઓને અલગ અલગ બોરી અને ચાદરમાં લપેટી દીધા હતા. રાત્રિના અંધારામાં રાહુલના ઓટો રિક્ષામાં લઈ જઈ ગવલી દેવ વિસ્તારમાં આવેલી ઝાડીઓમાં ફેંકી દીધા હતા.

8 મહિના સુધી પરિવારને ગેરમાર્ગે દોર્યો

હત્યાની ઘટના બાદ સુનીતાએ યાદવ નગરનું પોતાનું ઘર ભાડે આપી દીધું હતું અને પોતાના બાળકો સાથે પ્રેમી રાહુલના ઘરમાં રહેવા લાગી હતી. લગભગ 8 મહિના બાદ જ્યારે બલિરામનો ભાઈ ગામથી તેમને મળવા આવ્યો ત્યારે તેણે પતિ વિશે પૂછપરછ કરી હતી. આ સમયે સુનીતાએ ખોટી કહાની બનાવી હતી કે બલિરામ ઝઘડો કરીને ઘર છોડીને જતા રહ્યા છે. પરંતુ બલિરામના ભાઈને આ વાત પર શંકા ગઈ હતી અને તેણે એપ્રિલ 2026માં રબાલે MIDC પોલીસ સ્ટેશનમાં બલિરામ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

મોબાઈલ કોલ ડિટેઈલથી ખુલ્યું હત્યાનું રહસ્ય

ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસથી બચવા માટે સુનીતા અને રાહુલે પોતાના જૂના મોબાઈલ અને સિમ કાર્ડ બદલી નાખ્યા હતા. પરંતુ આ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. પોલીસની ટેક્નિકલ તપાસ દરમિયાન કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR)માં સામે આવ્યું હતું કે રાહુલ અલગ અલગ નંબર પરથી સતત માત્ર સુનીતા સાથે જ વાત કરતો હતો. આ શંકાસ્પદ વિગતોના આધારે પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી હતી અને આખરે સમગ્ર હત્યાકાંડનો ખુલાસો થયો હતો.

પોલીસની વધુ તપાસ ચાલુ

હાલમાં રબાલે MIDC પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મૃતદેહના અવશેષો, હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાએ નવી મુંબઈ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. પ્રેમ સંબંધના કારણે પત્નીએ જ પતિની હત્યાનું કાવતરું રચ્યું હોવાના આરોપે લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.

આ પણ વાંચો: વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ: પ્રેમ સંબંધ બાદ યુવકે વિશ્વાસમાં લઈ બે વખત શારીરિક સંબંધ બાંધ્યા

Back to top button