શિક્ષક દંપતીની નૃશંસ હત્યા: શાળા કેમ્પસમાંથી લોહીથી લથપથ મૃતદેહો મળી આવતા સનસનાટી

Teacher Couple Brutally Murdered Inside School Campus: ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક શિક્ષક દંપતીના મૃતદેહ તેમની પોતાની ખાનગી શાળાના પરિસરમાંથી લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા. દંપતીની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી કુહાડી, પાવડો અને છરી જેવા શસ્ત્રો જપ્ત કર્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સરકારી શાળાના મુખ્ય શિક્ષક અને પત્નીની હત્યા
આ સનસનાટીભરી ઘટના કાદીપુર કોતવાલી વિસ્તારના કુંભી દાડિયા ગામમાં બની હતી. મૃતકોની ઓળખ 45 વર્ષીય મુકેશ સિંહ અને તેમના પત્ની વિનીતા સિંહ તરીકે થઈ છે. મુકેશ સિંહ સરકારી શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે તેમના પત્ની વિનીતા સિંહ એક ખાનગી શાળા ચલાવતા હતા અને તેઓ શાળા પરિસરમાં જ નિવાસ કરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મુકેશ સિંહનો મૃતદેહ કેમ્પસથી આશરે 150 મીટર દૂરથી મળી આવ્યો હતો, જ્યારે તેમની પત્નીનો મૃતદેહ કેમ્પસ અંદરથી મળી આવ્યો હતો. બંનેના શરીર પર ઈજાના ઊંડા નિશાનો હતા.
સવારે સ્કૂલ ડ્રાઇવરે જોયું લોહી
આ દ્રશ્ય સવારે સૌથી પહેલાં સ્કૂલ ડ્રાઇવરે જોયું હતું અને તુરંત જ પરિવારજનોને વાકેફ કર્યા હતા. મૃતકના કાકા રામ જન્મ સિંહના જણાવ્યા અનુસાર, સવારે શાળામાંથી લોહી વહી રહ્યું હોવાનું જણાતાં પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા, જ્યાં મુકેશ અને વિનીતાના મૃતદેહો પડેલા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા.
2002 થી શિક્ષણ ક્ષેત્રે સક્રિય હતા મુકેશ સિંહ
મુકેશ અને વિનીતાએ 2002 માં પોતાના ગામમાં મનરાજી શિક્ષણ સંસ્થાનની સ્થાપના કરી હતી અને તેઓ લાંબા સમયથી શાળા કેમ્પસમાં જ રહેતા હતા. મુકેશે શરૂઆતમાં શિક્ષા મિત્ર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને 2009 માં સહાયક શિક્ષક બન્યા હતા. હાલમાં તેઓ ખાનુહાટ સ્થિત કમ્પોઝિટ સ્કૂલના મુખ્ય શિક્ષક તરીકે સેવા આપતા હતા. તેઓ 2013 થી મોતીગઢપુર શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પણ સક્રિય હતા. તેમના પરિવારમાં તેમનો 20 વર્ષનો પુત્ર અભ્યુદય છે, જે હાલ દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
SOG અને સર્વેલન્સ ટીમ તૈનાત
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિક્ષક (SP) વિનીત જયસ્વાલ, કાદીપુર સર્કલ ઓફિસર વિનય ગૌતમ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફિલ્ડ યુનિટે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) તથા સર્વેલન્સ ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. SP વિનીત જયસ્વાલે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ હુમલો તીક્ષ્ણ હથિયારથી થયો હોવાનું જણાય છે. હત્યા પાછળનો ચોક્કસ હેતુ હજી સ્પષ્ટ થયો નથી, પરંતુ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી ગુનેગારોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને કામ કરી રહી છે.
આ પણ વાંચો: કઠુઆ CISF કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર: જવાને જ સાથીદારો પર ચલાવી ગોળીઓ, 4 ના મોત!












