નેશનલ

પંજાબના તરનતારનમાં AAPના સરપંચની ગોળી મારી હત્યા: કાર પર તાબડતોબ ફાયરિંગના CCTV સામે આવ્યા

AAP Sarpanch Ashwini Shot Dead Tarn Taran: પંજાબના તરનતારન જિલ્લામાંથી એક ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા ટુટ ગામના સરપંચ અશ્વિનીની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાના કાર પર તાબડતોબ ફાયરિંગ કરતા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ હુમલા દરમિયાન કારમાં સરપંચ સાથે સવાર તેમના ડ્રાઇવર ચમકૌર સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ કેસમાં વોન્ટેડ શકમંદોના ફોટોગ્રાફ્સ જાહેર કરીને તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બાઇક સવારોએ કારને ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો

મળતી માહિતી મુજબ, સરપંચ અશ્વિની પોતાના ડ્રાઇવર ચમકૌર સિંહ સાથે ટુટ અનાજ બજારથી ભંગાલા અનાજ બજાર તરફ જઈ રહ્યા હતા. તેમની કાર જેમ જ ટુટ ચોકડી પાસે પહોંચી કે તરત જ મોટરસાઇકલ પર આવેલા 2 મોઢા ઢાંકેલા શૂટરોએ તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ અચાનક કાર પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને ગુનો આચર્યા બાદ તુરંત જ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.

સરપંચને છાતીમાં 4 ગોળી વાગી

આ અંધાધૂંધ હુમલામાં સરપંચ અશ્વિનીને છાતીના ભાગે 4 ગોળીઓ વાગી હતી, જ્યારે ડ્રાઇવર ચમકૌર સિંહને હાથમાં 2 ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સરપંચ અશ્વિનીને મૃત જાહેર કર્યા હતા. ઘાયલ ડ્રાઇવર ચમકૌર સિંહ હાલ સારવાર હેઠળ છે. દિનદહાડે થયેલા આ હત્યાકાંડ બાદ ટુટ ગામ અને આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.

CCTV ફૂટેજના આધારે તપાસ તેજ

ઘટનાની જાણ થતાં જ પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સદર પટ્ટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ટુટ ગામના આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને પોલીસે હુમલાખોરોની ઓળખ માટે કવાયત હાથ ધરી છે. પોલીસે વોન્ટેડ આરોપીઓના ફોટોગ્રાફ્સ જાહેર કરીને સામાન્ય જનતાને અપીલ કરી છે કે જો આ આરોપીઓ વિશે કોઈ પણ માહિતી મળે તો તાકીદે પોલીસને જાણ કરવી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જૂની દુશ્મનાવટ કે રાજકીય અદાવત?

તરનતારન પોલીસ હાલમાં જૂની અંગત દુશ્મનાવટ, વ્યાવસાયિક ઝઘડો કે રાજકીય અદાવત સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચલાવી રહી છે. પોલીસ તંત્રે આરોપીઓ વિશે સચોટ માહિતી આપવા માટે ડીએસપી પટ્ટીનો મોબાઈલ નંબર 9780003334 અને એસએચઓ સદર પટ્ટીનો નંબર 9592048900 જાહેર કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ તમામ શૂટરોને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે.

આ પણ વાંચો: CJPના વિરોધ પહેલાં ગૃહ મંત્રાલય એલર્ટ, જંતર-મંતરની આસપાસના 4 કિમી વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ

Back to top button